મોરબીની પીપળીયા ચોકડી પાસે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
મોરબીના ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ
SHARE
મોરબીના ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ
મોરબીના ઘુંટું ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ પરિવારે ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસ દ્વારા યુવાન સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા પરિવારની દિકરીને ગત તા.૩૦-૪ ના સવારના આઠેક વાગ્યાના અરસામાં લગ્નની લાલચે લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે શિવમ સામતભાઈ મોરવાડિયા જાતે કોળી રહે.મફતપરા વિદ્યુતનગર સોસાયટી પાસે સર્કિટ હાઉસની સામે સામાકાંઠે મોરબી-૨ વાળો અપહરણ કરી ગયો હોય હાલ ભોગ બનેલ સગીરાના પરિવારે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ એમ.આર.મકવાણા દ્વારા આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસોની કલમ હેઠળ શિવમ કોળી વિરુદ્ધ ફરીયાદ નોંધીને આગળની તજવીજ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
પતિએ માર મારતા સારવારમાં
મોરબીના રવાપર ગામે રહેતા શીતલબેન અમિતભાઈ શેરસીયા નામના ત્રીસ વર્ષીય મહિલાને તેમના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હોવાથી શીતલબેનને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેમની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા મારામારીના આ કેસની આગળની તપાસ કરવામાં આવી હતી.
ઘુંટુ પાસે વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર ગામે રહેતા કિશનભાઇ બજરંગદાસ અગ્રાવત નામના ૩૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયો હતો.હોસ્પીટલ ખાતેથી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે કિશનભાઇ અગ્રાવત તેમના મિત્ર સાથે બાઈકમાં જતા હતા ત્યારે તા.૧૦ ના રોજ રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં હળવદ રોડ ઘુંટુ ગામ પાસે આવેલ નર્મદાની કેનાલ પાસે તેઓનું બાઇક રસ્તામાં સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામેલ કિશનભાઇ અગ્રાવતને સારવારમાં ખસેડાયા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ નજીકના એસબી મિનરલ્સ નામના યુનિટમાં રહેતા શંકરભાઈ કાળુસિંહ નામના ૧૮ વર્ષના યુવાનને ડમ્પરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ શંકરભાઈને અહિંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા સ્ટાફના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.