ટંકારામાં ભત્રીજાને શેરીમાંથી નીકળવાની ના કહેનારાઓને સમજાવવા ગયેલા કાકા ઉપર ધારિયા વડે હુમલો
SHARE
ટંકારામાં ભત્રીજાને શેરીમાંથી નીકળવાની ના કહેનારાઓને સમજાવવા ગયેલા કાકા ઉપર ધારિયા વડે હુમલો
ટંકારામાં મામલતદાર કચેરી પાસે રહેતા યુવાનના ભત્રીજાને શેરીમાંથી નીકળવાની ના કહી હતી જેથી યુવાન મહિલા સહિતનાઓને સમજાવવા માટે ગયો હતો ત્યારે તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને માથાના ભાગે ધારિયા અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને માથામાં ટાંકા આવ્યા હતા અને તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં મામલતદાર કચેરી પાસે આવેલ તિલકનગરમાં રહેતા નવઘણભાઈ નવીનભાઈ ગોહિલ (28)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જડીબેન, કાંતિભાઈ ગોવિંદભાઈ ગોહિલ, નરેશ ગોવિંદભાઈ ગોહિલ અને મનુબેન ગોવિંદભાઈ ગોહિલ રહે. બધા તિલકનગર ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓએ ફરિયાદીના ભત્રીજાને શેરીમાંથી નીકળવાની ના પાડીને ગાળો આપી હતી જેથી ફરિયાદી આરોપીને સમજાવવા માટે જતા જડીબેન અને કાંતિભાઈએ ગાળો આપીને તેની સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી ત્યારે નરેશ ગોહિલે ફરિયાદીને માથાના ભાગે ધારિયાનો ઘા માર્યો હતો અને માનુબેને લાકડી વડે માર મારીને ફરિયાદીને ઇજા કરી ગાળો આપી હતી તેમજ નરેશે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.