મોરબીના ધારાસભ્યએ ખોટી હિરોગીરી કરવાને બદલે શહેરમાં પડેલા ખાડા અને ગંદકીમાં ધ્યાન આપવાની જરૂર: જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ટકોર
SHARE









મોરબીના ધારાસભ્યએ ખોટી હિરોગીરી કરવાને બદલે શહેરમાં પડેલા ખાડા અને ગંદકીમાં ધ્યાન આપવાની જરૂર: જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ટકોર
મોરબીના ધારાસભ્ય દ્વારા તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી હતી જેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા આ વિડિયોને ધ્યાને રાખીને ખોટો રોફ જમાવી, ધમકી આપી, હિરોગીરી કરવાના બદલે રખડતા ઢોર, ગેરકાયદે બાંધકામ, ખાડા, ગંદકી વગેરે બાબતે ધ્યાન આપવાની ટકોર કરાઇ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા હાલમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખુલ્લો પત્ર લખવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યુ છેકે, એક તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવાની ધારાસભ્યએ ધમકી આપી હતી અને જનતા સમક્ષ રોફ જમાવવાની કોશિશ કરી હતી તો છેલ્લા ૨૫ વર્ષથી મોરબીના ધારાસભ્ય તરીકે તમેજ છો. અને મોરબીમાં માત્ર એકથી દોઢ ઈંચ વરસાદ પડવાથી પાણી ભરાઈ જાય છે. જેથી કરીને આ બાબતે ધારાસભ્ય તરીકે તમારે જવાબ આપવો જોઈએ. અને વારંવાર મોરબી નગરપાલીકાની તિજોરી સાફ કરી નાખી છે. તેવું કહો છો તો પછી કાયદેસરની કાર્યવાહી કેમ કરતાં નથી.
વધુમાં જણાવ્યુ છે કે, કરોડો રૂપિયાની આવાસ યોજના, નંદીઘર, ૪૫ (ડી) હેઠળ કરવામાં આવેલ કામોમાં બેફામ ભ્રષ્ટાચાર થયો છે તો પણ કેમ કોઈ તપાસ કરીને ભ્રષ્ટાચાર કરનારાઓની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી ? મોરબીને પેરીસ બનાવવું છે તેવું છેલ્લા ૨૫ વર્ષથી મોરબીના ધારાસભ્ય કહી રહ્યા છે જો કે, આ દિવા સ્વપ્ન બતાવ્યા પછી વાસ્તવિક રીતે આજે મોરબીમાં ચોમેર ખાડા સિવાય બીજું કશું જ છે નહીં, મોરબીમાં દારૂ અને ડ્રગ્સ સહિતના નશાકારક દ્રવ્યો બેફામ રીતે વેંચાઈ રહ્યા છે મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ભાજપની સરકારમાં માત્ર પેટ્રોલ-ડીઝલના કાળા બજારીયા અને વ્યાજખોરોનો જ વિકાસ થયો છે તેવો આક્ષેપ કરેલ છે. અને એક સામાન્ય ઉપર ખોટો રોફ જમાવી, ધમકી આપી, હિરોગીરી કરવાના બદલે સમગ્ર મોરબી જીલ્લામાં રખડતા ઢોર, ગેરકાયદેસર બાંધકામ, ખાડા, કચરાના ઢગલા, ગંદકી વગેરે બાબતે ધ્યાન આપવાની જરૂર છે તેવી પણ ટકોર કોંગ્રેના પ્રમુખે કરેલ છે.
