ગુજરાતના લોકોની જનસુખાકારી માટે સરકાર સતત પ્રયત્નશીલઃ બ્રિજેશભાઇ મેરજા
SHARE
ગુજરાતના લોકોની જનસુખાકારી માટે સરકાર સતત પ્રયત્નશીલઃ બ્રિજેશભાઇ મેરજા
સ્વસ્થ સમાજના નિર્માણ થકી સ્વસ્થ રાષ્ટ્રની પહેલને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા નિરામય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત મોરબી જિલ્લામાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે નિરામય અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ અને નિરામય ગુજરાતની જનસુખાકારી માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં અતિ વ્યસ્ત જીવનશૈલીને કારણે વિવિધ પ્રકારના ગંભીર રોગો વ્યાપી રહ્યા છે ત્યારે રાજ્યના નાગરિકોને તંદુરસ્તી બક્ષે અને બીમારીઓથી સુરક્ષાકવચ આપવા માટે નિરામય ગુજરાત અભિયાન પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. અતિ વ્યસ્ત જીવનશૈલીના કારણે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવી ગંભીર પરંતુ બિનચેપી અને છુપી બિમારીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ અભિયાન હેઠળ સરકાર દ્વારા વિનામૂલ્યે સ્ક્રીનીંગ થી સારવાર સુધીની સેવા મળવાથી દરેક વર્ગના લોકોને લાભ થશે.
જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ પ્રાસંગિક ઉદબોધન કરી આપણો મોરબી જિલ્લો રોગમુક્ત બને તે દિશામાં આ પહેલ થઇ રહી હોવાની વાત કરી હતી. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરાએ રૂપરેખા રજૂ કરી સૌ આગેવાનોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ પાલનપુર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ ખાતે આયોજીત નિરામય અભિયાન અંતર્ગત સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, લેબોરેટરી વિભાગ, ચામડી રોગ વિભાગ, આયુષ્યમાન ભારત કાર્ડ વિભાગ, આયુર્વેદ વિભાગ, દવા વિભાગ સહિતની વ્યવસ્થા નાગરિકો માટે વિનામુલ્યે ઉપલબ્ધ કરાવાઇ હતી. આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વિવિધ વિભાગોની મુલાકાત લઇ વ્યવસ્થાઓને નિહાળી લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. અને મંત્રીએ પોતાના આરોગ્યની પણ ચકાસણી કરાવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ટોકન રૂપે નિરામય કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, ડિજિટલ હેલ્થ આઈ.ડી. આપવામાં આવ્યાં હતાં.આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જયંતિભાઇ પડસુંબીયા, પ્રવિણભાઇ સોનગ્રા, માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક દુધરેજીયા સહિત આરોગ્ય વિભાગ હસ્તકના કર્મચારીઓ અને લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.