ટંકારાના વીરપર પાસે વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી માટે ટ્રેકટરનો શોરૂમ ખાલી કરાવ્યો !, આધેડ અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી
SHARE







ટંકારાના વીરપર પાસે વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી માટે ટ્રેકટરનો શોરૂમ ખાલી કરાવ્યો !, આધેડ અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી
ટંકારાના વીરપર પાસે ટ્રેક્ટરનો શોરૂમ આવેલ છે અને તેના સંચાલકના દીકરાએ વ્યાજે પૈસા લીધા હતા દરમ્યાન જે વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા તેના દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને શોરૂમે જઈને શોરૂમના માણસોને ધાક ધમકી આપીને શોરૂમની બહાર કાઢ્યા હતા ત્યારબાદ ટ્રેક્ટરની ચાવી પડાવી લેવામાં આવી હતી અને શોરૂમના સંચાલક તથા તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા અને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે મહિન્દ્રા ટ્રેક્ટરનો શોરૂમ ધરાવતા પ્રવીણભાઈ મહાદેવભાઇ અંબાણી (58) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ ગગુભાઈ મકવાણા રહે.મોરબી તથા તેની સાથે આવેલ એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના મોટા દીકરા જયભાઈ અંબાણીએ આરોપી દિનેશભાઈ મકવાણાની વાવડી રોડ ઉપર આવેલ આસ્થા ફાયનાન્સ નામની પેઢીએથી વ્યાજે રૂપિયા લીધેલા હતા જે રૂપિયા તેને દેવાના બાકી હતા જેથી અવારનવાર દિનેશભાઈ મકવાણા દ્વારા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી.દરમ્યાન ગઈકાલે ફરિયાદી તથા તેનો નાનો દીકરો નિખીલ બને શોરૂમ ખાતે ઉપરના માળે બેઠા હતા ત્યારે સાંજના છ વાગ્યાના અરસામાં દિનેશભાઈ મકવાણા તથા તેની સાથે અજાણ્યો શખ્સ એક્સયુવી કાર નંબર જીજે 36 એપી 7711 લઈને તેઓના શોરૂમમાં આવ્યા હતા અને ત્યાં હાજર રહેલા શોરૂમના માણસોને પ્રવીણભાઈ ક્યાં છે તેવું પૂછ્યું હતું જેથી સ્ટાફે કહ્યું હતું કે પ્રવીણભાઈ અહીંયા નથી માટે દિનેશભાઈ મકવાણા ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સ્ટાફને જેમ ફાવે તેમ મહિલા હોવા છતાં પણ ગાળો આપી હતી અને પ્રવીણભાઈ તથા તેના દીકરા જઈને આજે મારા હાથમાં આવશે તો જાનથી મારી નાખવા છે તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ શોરૂમના સ્ટાફને બળજબરીપૂર્વક શોરૂમની બહાર કાઢ્યો હતો ત્યારે પણ મહિલા હાજર હોવા છતાં ગાળો બોલવાનું ચાલુ રાખ્યું હતું અને શોરૂમ ખાલી કરાવીને મેઈન દરવાજો બંધ કરી દીધો હતો તેમજ શો રૂમના સ્ટાફને ધાકધમકીઓ આપીને શોરૂમમાં પડેલા ટ્રેક્ટરની ચાવી તેઓની પાસેથી બળજબરીથી લઈ લીધી હતી અને સ્ટાફ સાથે ઝઘડો કરી માથાકૂટ કરી હતી દરમિયાન 112 નંબર ઉપર ફરિયાદીના નાના દીકરાએ ફોન કર્યો હતો જેથી પોલીસ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી ગઈ હતી જોકે, ત્યારે પહેલા આરોપી દિનેશભાઈ અને તેની સાથે આવેલ માણસ પોતાની ગાડી લઈને ત્યાંથી જતા રહ્યા હતા જેથી આ બનાવ સંદર્ભે હાલમાં પ્રવીણભાઈ અંબાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.
