મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન
મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે
SHARE
મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે
મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવામાં આવે તેવી અહીંના સામાજીક કાર્યકરોએ માંગ કરેલ છે.વધુમાં તેઓએ જણાવેલ છેકે, અગાઉ નગરપાલીકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ તેમજ સીટી વિસ્તાર માટે બસ સેવા સુચારૂ રીતે ચાલતી હતી. પરંતુ વર્ષ ૨૦૨૫ માં મોરબીને મહાનગરપાલીકાનો દરજજો મળ્યા ત્યાર બાદ આજ સુધી આ બસ સેવા સંપુર્ણપણે બંધ છે ! (રીવર્સ ગીયર ?) જેના કારણે આજુબાજુના ગામડાઓ જેમ કે શનાળા, સામાકાંઠે ત્રાજપર, લાલપર, મહેન્દ્રનગર, વીરપર, લજાઈ, રવાપર, ઘુનડા, વાવડી સહિતના લોકો જેમા ખાસ કરીને વિદ્યાર્થીઓ, રોજગાર માટે આવતા કર્મચારીઓ તથા વડીલ નાગરીકોને શહેર સુધી પહોંચવામાં ભારે તકલીફો ભોગવવી પડે છે.તહેવારોના સમયગાળા દરમ્યાન તો આ તકલીફો અત્યંત વધી જાય છે.
હાલ મોરબી મહાનગરપાલીકા પાસે ત્રણ જાહેર બસો ઉપલબ્ધ છે.તેમ છતાં તેમાંથી કોઇપણ બસ સેવા હાલ પ્રજાને મળતી નથી.તેમજ મોરબીમાં સીટી બસ માટે બસસ્ટેન્ડ બનાવવામાં આવે તેવી પણ માંગણી ઉઠી રહી છે.મહા પાલીકા બન્યાને ઘણો સમય થયો તેમ છતાં મોરબીમાં હજુસુધી કોઈ જાતની જાહેર પ્રાથમીક સુવિધાઓ ઉપલબ્ધ નથી.આના કરતા તો નગરપાલીકા સારી હતી.મહાનગરપાલીકા થતા લોકો માથે ઓઢીને રોવે છે.મહાનગરપાલીકાની ઓફીસ પણ નવી બનેલ નથી.તો તાત્કાલીક નવી ઓફીસ પણ બનાવવી જોઇએ. કર્મચારીઓની ઓફીસ ખંઢેર હાલતમાં હોય છે.જો કમિશ્નરની ઓફીસ એસ.સી. વાળી બનાવામાં આવેલ છે તો કર્મચારીઓ માટે કેમ નહીં ? આમ તાત્કાલીક ઓફીસ બનાવવામાં આવે તેમજ નવી સીટી બસો તાત્કાલીક ચાલુ કરાવામાં આવે તેવી અહીંના સામાજીક કાર્યકરો રીજુભાઇ દવે, ગીરીશભાઇ કોટેચા તેમજ જગદીશભાઇ બાંભણીયાએ લોકો વતી માંગ કરેલ છે.
સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે
મોરબીમાં હાલમાં સીટી બસ ન હોવાના લીધે રીક્ષાઓનો ભારે જમાવડો જોવા મળે છે.જરૂરિયાત કરતા ખૂબ મોટી સંખ્યામાં રીક્ષાઓ શહેરમાં ફરતી હોય તેવું જોવા મળે છે.મોટાભાગના મુખ્ય રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રીતે રીક્ષા સ્ટેન્ડ જામી ગયા છે અને અનેક શોપિંગ સેન્ટરો તથા દુકાનધારકોને અગવડ અડચણ પડે તે રીતે ત્યાં ગેરકાયદેસર રિક્ષા સ્ટેન્ડ જોવા મળી રહ્યા છે.જેના ઉપર ક્યાંકને ક્યાંક ટ્રાફિક પોલીસનું કુણુ વલણ જોવા મળી રહ્યું છે.જે રીતે ટુ-વ્હીલર અને કારચાલકોને દંડ ફટકારવામાં આવે છે તે રીતે શહેરના મુખ્ય માર્ગો ઉપર જામેલા રિક્ષા સ્ટેન્ડ અને લારી-ગલ્લાને પાથરણા વાળાઓ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા દંડો ઉગવામાં આવતો નથી તે નરી વાસ્તવિકતા છે.જેને લઇને લોકો અને ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો ઉપર દુકાનો ધરાવતા દુકાનદારોમાં ટ્રાફિક પોલીસ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.કારણ કે જ્યાં ત્યાં અને મન ફાવે ત્યાં રિક્ષા સ્ટેન્ડ બની જતા હોય છે અને ત્યારબાદ ત્યાં એલફેલ શબ્દો બોલાતા હોય છે તેમજ ઝઘડા થતા હોય છે અને આખો દિવસ ત્યાં સ્થાનિકોને મુશ્કેલી પડે તેવા દ્રશ્યો સર્જાતા હોય છે.માટે જો સીટી બસની સંખ્યામાં વધારો કરવામાં આવે તો લોકો સીટી બસમાં જતા થાય અને તેને લઈને રીક્ષાઓનો જે ફુગાવો જોવા મળી રહ્યો છે.તેમાં પણ ચોક્કસ નિયંત્રણ આવશે.શહેરના મુખ્ય માર્ગો ઉપર જ્યાં નિયત રીક્ષા સ્ટેન્ડ નથી ત્યાં પણ ગેર કાયદેસર રીક્ષા સ્ટેન્ડ બની ગયા છે તેના માટે ટ્રાફિક પોલીસ જવાબદાર નહીં તો કોણ જવાબદાર ? તેવો સવાલ મોરબીવાસીઓ જીલ્લા પોલીસવડાને કરી રહ્યા છે.