મોરબી જીલ્લામાં 12,584 જેટલા મતદારો સામે વાંધા અરજી કરનારની વિગત-કચેરીના સીસીટીવી ફૂટેજની માંગ કરતી કોંગ્રેસ
SHARE
મોરબી જીલ્લામાં 12,584 જેટલા મતદારો સામે વાંધા અરજી કરનારની વિગત-કચેરીના સીસીટીવી ફૂટેજની માંગ કરતી કોંગ્રેસ
મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાંથી કુલ મળીને 12,584 જેટલા મતદારો સામે વાંધા અરજી આવેલી છે અને તેમાં મોટાભાગે એક જ કોમ્યુનિટીના મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસના માજી ધારાસભ્ય તથા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે જઈને ધબધબાટી બોલાવી હતી અને આવેદનપત્ર આપીને છેલ્લા બે દિવસમાં ત્રણેય વાંધા અરજીઓ કોના દ્વારા રજૂ કરવામાં આવેલ છે તેની માહિતી અને કચેરીના સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગવામાં આવેલ છે. અને ત્યાર બાદ કાનુની લડાઈ કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે.
સમગ્ર ભારત દેશની અંદર હાલમાં મતદાર યાદી સુધારણા માટેની કામગીરી ચાલુ છે ત્યારે “સર” અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ મતદાર યાદી સુધારણાનું કામ કરવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામા આવેલ છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં મતદારોના નામ કમી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાંથી 12,584 મતદારો સામે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે તેને લઈને કોંગ્રેસના માજી ધારાસભ્ય મહમદજાવીદ પીરજાદા તથા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાની હેઠળ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોરબી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેકટર કચેરી ખાતે ભાજપ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ગત 15 તારીખ સુધી મોરબી જિલ્લામાં મતદારો સામે વાંધા અરજી આવી ન હતી પરંતુ તા. 17 અને 18 તારીખ દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ મળીને 12584 જેટલી વાંધા અરજી આવી છે.
જેમાં વાંકાનેર કુવાડવા બેઠકમાં 8,400, ટંકારા પડધરી બેઠકમાં 597 અને મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં 1237 વાંધા અરજીઓ આવેલ છે અને જે વાંધા અરજી આવી છે તેમાં મોટાભાગના મતદારો એક જ કોમ્યુનિટીના હોય ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ટાર્ગેટ કરીને આ ખોટી રીતે વાંધા અરજીઓ કરવામાં આવી છે તેવો આક્ષેપ કોંગ્રેસના માજી ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે અને છેલ્લા બે દિવસ દરમિયાન જીલ્લામાં ત્રણેય વિધાનસભા બેઠક માટે નાયબ ચૂંટણી અધિકારીની કચેરીમાં જે વાંધા અરજીઓ આવેલ છે તેની સંપૂર્ણ માહિતી તેમજ કચેરીના સીસીટીવી કેમેરાના ફૂટેજની માંગણી કરવામાં આવેલ છે. અને આ માહિતી મળી ગયા બાદ જો બેદરકાર અધિકારી કે કર્મચારી સામે કલેક્ટર દ્વારા પગલાં લેવામાં નહીં આવે અને કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અમુભાઈ હુંબલ, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની, હરદેવસિંહ જાડેજા, ગુલામભાઈ પરાસરા, રાજુભાઈ ચૌહાણ, શકીલભાઈ પીરજાદા, દીપકભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.