મોરબીના કાંતિભાઈ અમૃતિયા મંત્રી બનતાની સાથે વિકાસની ગાડી ટોપ ગિયરમાં: શનિવારે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 1042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમહુર્ત
SHARE
મોરબીના કાંતિભાઈ અમૃતિયા મંત્રી બનતાની સાથે વિકાસની ગાડી ટોપ ગિયરમાં: શનિવારે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 1042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમહુર્ત
મોરબી શહેર તથા જિલ્લાનો સમતોલ વિકાસ થાય તેના માટે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા બન્યા બાદ સરકારમાંથી કરોડો રૂપિયા મોરબીના વિકાસ માટે થઈને આપવામાં આવ્યા છે અને આગામી શનિવારે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં મોરબીમાં લોકાર્પણ અને ખાતમહુર્તનો કાર્યક્રમ યોજાશે. જેમાં મોરબી મહાપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારમાં જુદી જુદી સરકારની યોજનાઓ હેઠળ પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ તથા આગામી સમયમાં થનારા કામોનું ખાતમહૂર્ત કરવામાં આવશે અને એક જ દિવસમાં મોરબી જિલ્લામાં કુલ મળીને 1042 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત થવાનું છે.
દેશ અને દુનિયામાં સીરામીકની ચમકના કારણે જાણીતું બનેલ મોરબી શહેર હવે નવા રંગરૂપ ધારણ કરતું હોય તેવું નજરે પડી રહ્યું છે કારણ કે એક વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો જેમાં મોરબી નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે અને છેલ્લા એક વર્ષની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને આપવામાં આવેલ છે તેના થકી અનેક કામો કરવામાં આવ્યા છે.
હાલમાં કેટલાક કામો પ્રગતિ હેઠળ છે તેવામાં આગામી શનિવારે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો ગ્રાઉન્ડ ખાતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકાર્પણ અને ખાતમહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે થઈને હાલમાં રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબી શહેર ભાજપની ટીમ દ્વારા વોર્ડ વાઇઝ મીટીંગો કરીને વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ તેના માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે
વધુમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને માંગીએ તેટલી ગ્રાન્ટ અને જોઈએ તે વિકાસ કામની મંજૂરી હાલમાં આપવામાં આવી રહી છે તેના ભાગરૂપે આગામી સમયમાં મચ્છુ નદી ઉપર જુદી જુદી જગ્યા ઉપર બે બ્રિજ બનાવવામાં આવશે, સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે એક ઓવરબ્રીજ બનાવવામાં આવશે, જિલ્લાના લોકોને આરોગ્ય લક્ષી સારી સુવિધાઓ મળે તેના માટે થઈને અનેક આરોગ્ય સેન્ટરના કામ કરવામાં આવશે, મહાનગરપાલિકાની નવી બિલ્ડીંગ બનશે, નવું સર્કિટ હાઉસ બનશે, નવું ફાયર સ્ટેશન જુદી-જુદી બે જગ્યાએ બનશે.
આમ અનેકવિધ કામો આગામી સમયમાં થનાર છે હલમ કેટલાક કામો પૂર્ણ થઈ ગયા છે તેનું સીએમ લોકાર્પણ કરશે અને જે નવા કામ શરૂ થવાના છે તેનું ખાતમહુર્ત કરશે. આમ મોરબીમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એક જ દિવસમાં કુલ મળીને 1042 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત થવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના સીએમ જ્યારે પણ મોરબી આવ્યા છે ત્યારે કંઈકને કંઈક નવી મોટી જાહેરાત મોરબીના લોકો માટે કરવામાં આવી છે તેવી જ રીતે મોરબી શહેરના લોકોને સીએમની આ મુલાકાત દરમિયાન શું નવી સુવિધાનો લાભ મળવા માટેની જાહેરાત થશે તેના ઉપર સહુ કોઈની મીટ મંડાયેલ છે.









