મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
SHARE
મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
વર્તમાન સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને આહાર પદ્ધતિ વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણીએ રાજ્ય સરકારની સર્વોચ્ચ અગ્રતા રહી છે. ખાસ કરીને બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓમાં જોવા મળતા કુપોષણ અને એનિમિયા (લોહીની ઉણપ) જેવી સમસ્યાઓના કાયમી નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા આહારમાં ‘ફોર્ટિફિકેશન’નો નવતર અભિગમ અપનાવીને એક સ્વાસ્થ્ય ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે.
ઘણીવાર આપણે પેટભરીને જમીએ છીએ, પરંતુ શું આપણા ભોજનમાં શરીર માટે જરૂરી એવા સૂક્ષ્મ પોષકતત્વો પૂરતી માત્રામાં હોય છે? આ જ પ્રશ્નના ઉકેલ રૂપે સરકાર દ્વારા ‘ફૂડ ફોર્ટિફિકેશન’નો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ કોઈ દવા નથી, પરંતુ આપણા રોજિંદા ખોરાકને શક્તિશાળી બનાવવાની એક વૈજ્ઞાનિક રીત છે, જેમાં ખોરાકની પ્રાકૃતિકતા કે સ્વાદમાં કોઈ ફેરફાર કર્યા વિના તેમાં આયર્ન, આયોડિન અને વિટામિન્સ જેવા સૂક્ષ્મ પોષકતત્ત્વોની માત્રા વધારવામાં આવે છે.
લોહીની ઉણપ એટલે કે એનિમિયાની સમસ્યા આજે વ્યાપક છે, જેના નિવારણ માટે સરકાર દ્વારા NFSA કાર્ડધારકોને વાજબી ભાવની દુકાનેથી ‘કલ્પતરુ’ બ્રાન્ડનું ડબલ ફોર્ટિફાઇડ મીઠું પૂરૂં પાડવામાં આવે છે. આ મીઠામાં આયોડિનની સાથે 'આયર્ન' (લોહતત્વ) નો સમન્વય કરવામાં આવ્યો છે, જે બાળકોના શારીરિક-માનસિક વિકાસ અને મહિલાઓમાં એનિમિયા અટકાવવા માટે અનિવાર્ય છે. આ મીઠામાં દેખાતા નાના કાળા કણો એ હકીકતે આયર્ન છે, જે સાબિત કરે છે કે તમારું મીઠું પોષણથી ભરપૂર છે. આ મીઠું વાપરવાથી ભોજનના સ્વાદમાં કોઈ ફેર પડતો નથી અને તે પરિવારના તમામ સભ્યો માટે હિતાવહ છે. જોકે, તેના મહત્તમ લાભ મેળવવા માટે રસોઈ બની જાય ત્યાર બાદ જ આ મીઠું ઉપરથી ઉમેરવું જોઈએ અને તેને ચુસ્ત બરણીમાં ભરી રાખવું જોઈએ.
રાજ્ય સરકારના આ પોષણ અભિયાનમાં ફોર્ટિફાઇડ ચોખા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ચોખામાં ‘ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ’ ઉમેરવામાં આવે છે, જે ફોલિક એસિડ, વિટામિન B-12 અને આયર્ન જેવા પોષક તત્વોથી સભર હોય છે. આ તત્વો મગજની કાર્યક્ષમતા વધારવા, રક્તકણોના ઉત્પાદન અને ગર્ભમાં રહેલા શિશુના યોગ્ય વિકાસ માટે અત્યંત જરૂરી છે. ફોર્ટિફાઇડ ચોખાનો સંગ્રહ, રાંધવાની પદ્ધતિ અને સ્વાદ સામાન્ય ચોખા જેવા જ હોવાથી તેનો ઉપયોગ ખીચડી, પુલાવ કે અન્ય વાનગીઓમાં નિઃસંકોચ કરી શકાય છે. તંદુરસ્ત શરીર એ જ સાચી મૂડી છે અને આ સૂત્રને સાર્થક કરવા માટે દરેક નાગરિકે જાગૃત બનવું અનિવાર્ય છે. કુપોષણ અને એનિમિયા સામેની આ લડાઈમાં ડબલ ફોર્ટિફાઇડ મીઠા અને ચોખાનો આગ્રહ રાખીને આપણે એક મજબૂત અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બની શકીએ છીએ.









