મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત
SHARE
મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત
મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં સતત વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે એક બાજુ પ્રોપેન ગેસ સદંતર મળતો નથી અને નેચરલ ગેસ કે જે પાઇપલાઇન મારફતે મોરબી જિલ્લામાં સપ્લાય કરવામાં આવે છે તેના ભાવમાં પણ વિસંગતતાઓ જોવા મળી રહી છે મોરબી જિલ્લામાં અલગ અલગ બે કંપની દ્વારા નેચરલ ગેસની પાઇપલાઇન મારફતે સપ્લાય કરવામાં આવે છે અને તેમાં એક કંપનીનો ભાવ પ્રતિ ક્યુબિક મીટરના 85 થી 88 રૂપિયા છે જ્યારે બીજી કંપનીનો ભાવ માત્ર 52 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર છે જેથી કરીને આ તોતિંગ તફાવતના કારણે ઉદ્યોગકારો કારખાના ચાલુ કરે તેવું હાલમાં દેખાતું નથી અને ગેસ સપ્લાય કરતી કંપની સાથે એમજીઓ કરાર કરવાની પણ હાલમાં કોઈ શક્યતા દેખાતી નથી જેથી કારખાનાઓ હજુ પણ બંધ રહેશે તેવા સંકેત મળી રહ્યા છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિક ઉદ્યોગની ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી માઠી બેઠી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અગાઉ પ્રોપેન ગેસની સપ્લાય બંધ થઈ હોવાના કારણે 650 સિરામિક કારખાનામાંથી લગભગ 450 કરતા વધુ કારખાના બંધ થઈ ગયા હતા અને ત્યારબાદ નેચરલ ગેસ આપતી ગુજરાત ગેસ કંપનીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હોવાના કારણે અને 80 ટકાના કરાર મુજબનો ગેસ જથ્થો સીરામીક કારખાનામાં વપરાઈ ગયો હોવાના કારણે લગભગ 500 કરતાં વધુ સિરામિક કારખાના બંધ થઈ ગયા છે
સિરામિક ઉદ્યોગમાં ગેસનો જથ્થો નિરંતર અને વાજબી ભાવથી મળે તો જ મોરબીના સીરામીક ઉદ્યોગકરો તેના કારખાનાની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરી શકે તેમ છે અને લોકલ તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ છે પરંતુ યુધ્ધના કારણે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવમાં લાકડા જેવો વધારો થયો છે અને આ ઊંચા ભાવનો ગેસ લઈને સિરામિક કારખાનાની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવું કારખાનેદારોને પરવડે તેમ નથી કારણ કે તેઓની તૈયાર પ્રોડક્ટ ઉપર ભવિષ્યમાં ભાવ વધારો મળે તેવા હાલમાં કોઈ સંકેતો જોવા મળી રહ્યા નથી
મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં મોરબી જિલ્લાના સીરામીક કારખાનાઓમાંથી જે કારખાના ચાલુ છે તેમાં અલગ અલગ બે કંપનીઓ દ્વારા પાઇપલાઇન મારફતે નેચરલ ગેસની સપ્લાય કરવામાં આવી રહી છે જેમાં ગુજરાત ગેસ કંપની દ્વારા તેના ગ્રાહકોને 85 થી 88 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવથી ગેસની સપ્લાય કરવામાં આવી રહી છે જ્યારે અંદરણા ગામથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર જે બે સિરામિકના કારખાનાઓ આવેલા છે ત્યાં અદાણી કંપની દ્વારા પાઇપલાઇન મારફતે નેચરલ ગેસની સપ્લાય કરવામાં આવે છે અને તેનો ભાવ 52 રૂપિયા પ્રતિ કયુબીક મીટર હોવાનું જાણવા મળી રહ્યું છે આમ એક જ જિલ્લાની અંદર પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી કંપનીના ભાવમાં જમીન આસમાન નો તફાવત હોવાના કારણે ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ કંપની સાથે ગેસ માટે થઈને એમજીઓ કરાર કેવી રીતે કરવા તે પ્રશ્ન ઊભો થયો છે. બીજી બાજુ ગેસના ભાવમાં તોતિંગ તફાવત હોવાના કારણે મોરબી સિરામિક એસો. દ્વારા આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે અને જ્યાં સુધી સરકાર તરફથી યોગ્ય નિર્ણય અને કંપની તરફથી યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી ગુજરાત ગેસ કંપની સાથે હાલમાં મોરબીના ઉદ્યોગકારોએ એમજીઓ ન કરવા માટે થઈને સિરામિક એસો. મારફતે વિનંતી કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે









