મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર
SHARE
સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર
ઔદ્યોગિક નગરી તરીકે વૈશ્વિક સ્તરે વિખ્યાત મોરબી જિલ્લો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના હકારાત્મક અભિગમ અને શૈક્ષણિક સુધારાઓની આદર્શ અમલવારી થકી સમગ્ર રાજ્યમાં એક અદ્યતન ‘એજ્યુકેશન હબ’ તરીકે ઉભરી આવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા બોર્ડના પરિણામોમાં મોરબી જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે મેળવેલી ઝળહળતી સફળતા એ સાબિત કરે છે કે અહીં માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ જ્ઞાન અને સંસ્કારના મૂળિયા પણ ખૂબ ઊંડા અને મજબૂત બન્યા છે.
સામાન્ય રીતે કોઈ એક વર્ષે પરિણામ સારું આવે તો તેને સંયોગ કહી શકાય, પરંતુ મોરબી જિલ્લો બોર્ડ પરિણામ-૨૦૨૬ માં સતત ચોથા વર્ષે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો છે. આ ભવ્ય સિદ્ધિ સ્પષ્ટ કરે છે કે મોરબીમાં એક શ્રેષ્ઠ શૈક્ષણિક ઇકો-સિસ્ટમ અને સ્થાયી માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. આ ગૌરવયાત્રા માત્ર વિજ્ઞાન પ્રવાહ પૂરતી સીમિત નથી; ચાલુ વર્ષે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં પાંચમો અને ધોરણ-૧૦ ની પરીક્ષામાં આખા ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી શિક્ષણમાં અસાધારણ સફળતાનું નવું પ્રકરણ આલેખ્યું છે.
ભૂતકાળમાં કચ્છ અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા માટે પરંપરાગત રીતે મેટ્રોસિટી ભણી દોટ મૂકતા. પરંતુ, સરકાર દ્વારા સંચાલિત શૈક્ષણિક પ્રોત્સાહનો અને મોરબીના શૈક્ષણિક ક્ષેત્રના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે હવે પ્રવાહ સંપૂર્ણપણે પલટાયો છે. મોરબી જેવા નાના જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે સાધેલી આ પ્રગતિ મોરબીને સાચા અર્થમાં રાજ્યનું નવું શૈક્ષણિક કેન્દ્રબિંદુ બનાવે છે.
કોઈપણ જિલ્લાની આવી અપ્રતિમ સફળતા પાછળ ટીમવર્ક અને સરકારશ્રીના નીતિ-નિયમોનું સુચારુ અમલીકરણ જવાબદાર હોય છે. મોરબીની આ સિદ્ધિ પાછળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સક્ષમ વહીવટથી માંડીને વિવિધ શાળાઓના આચાર્યો, સમર્પિત શિક્ષકો, શાળા સંચાલકો, સખત પરિશ્રમ કરનારા વિદ્યાર્થીઓ અને જાગૃત વાલીઓની આખી શ્રુંખલા એક મજબૂત ટીમ તરીકે કાર્ય કરી રહી છે.
આ બાબતે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ આ ઝળહળતી સફળતાના બે મુખ્ય સચોટ કારણો દર્શાવતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં હોસ્ટેલ અને નિવાસની સુવિધા ધરાવતી શાળાઓ સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરિણામે વિદ્યાર્થીઓ માત્ર ૬ કલાકને બદલે ૨૪ કલાક શૈક્ષણિક વાતાવરણમાં રહે છે અને દૈનિક ૧૨ થી ૧૪ કલાકનો બહોળો સમય અભ્યાસ પાછળ આપી શકે છે. આ વ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓનો સમય મોબાઈલ કે અન્ય બિનજરૂરી પ્રવૃત્તિઓમાં વેડફાવાને બદલે સદુપયોગમાં ફેરવાય છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા ક્રાંતિકારી નિર્ણયો, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના દ્રઢ સંકલ્પને કારણે આજે મોરબી કૌશલ્ય અને જ્ઞાનનું નવું મોડેલ સાબિત થયું છે. યોગ્ય વહીવટી માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના અથાક પરિશ્રમથી મેળવેલું આ ગૌરવશાળી સ્થાન એ વાતની સાબિતી છે કે આગામી સમયમાં મોરબી શિક્ષણ ક્ષેત્રે સફળતાના વધુ ઊંચા શિખરો સર કરીને સમગ્ર દેશ માટે એક આદર્શ રોલ મોડેલ પૂરું પાડશે.









