મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે ટ્રેઇલર ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતીને ઇજા
SHARE









મોરબી-હળવદ હાઇવે ઉપર આવેલા ઘુંટુ ગામ નજીક બાઈક ઉપર જઇ રહેલા દંપતીના બાઇકને ટ્રેઇલર ચાલકે પાછળથી ટક્કર મારી દેતા દંપતી રસ્તા ઉપર નીચે પડી ગયું હતું અને બંનેને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેઇલર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા બળદેવભાઈ ગણેશભાઈ પરમાર જાતે દલવાડી (ઉંમર ૪૫) તેમના પત્ની ભગવતીબેન (ઉમર ૪૩) ને બાઈક પાછળ બેસાડીને મોરબીથી હળવદ તરફ જવાના રસ્તે ઘુંટુ ગામથી આગળ જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇક નંબર જીજે ૧ એફઇ ૧૫૫૩ ની ડેકીમાં પાછળથી ટ્રેલર નંબર જીજે ૧૨ બીડબ્લ્યુ ૮૧૦૨ ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને બાઇક સવાર દંપતિ રસ્તા ઉપર નીચે પડ્યુ હતું અને બંનેને ઇજાઓ થઇ હતી જેથી બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સારવાર લીધા બાદ બળદેવભાઈ પરમારે ઉપરોકત નંબરના ટ્રેઇલર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બીટ જમાદાર જે.જે.ડાંગરે આરોપી ટ્રેઇલર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
એક બોટલ દારૂ
માળિયા(મિં.) ની ભીમાસર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે તેને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને રૂપિયા ૩૭૫ ની કિંમતની દારૂની એક બોટલ સાથે પોલીસે હાલમાં ભુદરભાઈ કરસનભાઈ ધંધાણીયા જાતે કોળી (ઉંમર વર્ષ ૨૦) રહે.ખાખરેચી કોળીવાસ તા.માળીયા(મિં.) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી..? તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મારામારીમાં ઇજા
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર (રોટરીનગર) ગામે રહેતા નરસીભાઈ ભલાભાઇ ભંખોડિયા નામના ૪૦ વર્ષીય યુવાનને ગામમાં મારામારીનાં બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.નરસીભાઇએ દવાખાને જણાવ્યા પ્રમાણે મનસુખભાઈએ તેમને પાઇપ વડે માર માર્યો હતો.હાલમાં તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
