પ્રવચન નહીં, પ્રયોગ દ્વારા જીવનમાં પરિવર્તન લાવવાનો અનોખો પ્રયાસ: મોરબીમાં નવા દૃષ્ટિકોણ વાળી શિબિરનો લાભ લેતા ઉદ્યોગકારો સહિત હજારો નગરજનો
SHARE
પ્રવચન નહીં, પ્રયોગ દ્વારા જીવનમાં પરિવર્તન લાવવાનો અનોખો પ્રયાસ: મોરબીમાં નવા દૃષ્ટિકોણ વાળી શિબિરનો લાભ લેતા ઉદ્યોગકારો સહિત હજારો નગરજનો
સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક ધ્યાનના ત્રિવેણી સંગમ સાથે છ દિવસીય શિબિરનો પ્રારંભ : પૂજ્ય પરમ આલયજીના માર્ગદર્શનનો લાભ લેવા નગરજનોને આયોજકોનો અનુરોધ
આજના વ્યસ્ત અને ભાગદોડભર્યા જીવનમાં માનવી પોતાના કામકાજ અને જવાબદારીઓ વચ્ચે પોતાના સ્વાસ્થ્ય તથા માનસિક શાંતિ માટે પૂરતો સમય ફાળવી શકતો નથી. અને બદલાતી જીવનશૈલીના કારણે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને જીવન જીવવાની સાચી પદ્ધતિ અંગે સમજ કેળવવી સમયની જરૂરિયાત બની છે. ત્યારે મોરબીના નાગરિકોને જીવન પ્રત્યે નવો દૃષ્ટિકોણ આપવા તથા સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના હેતુથી સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત ‘નવા દૃષ્ટિકોણ વાળી શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 21 થી 26 નવેમ્બર, 2026 સુધી ચાલનારી આ છ દિવસીય શિબિર મોરબીના લીલાપર કેનાલ રોડ પર શ્યામ ગ્લાસની બાજુમાં આવેલી ધ એસ્પાયર સાઇટની પાછળ સાર્જનમ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે. આ શિબિરનો સમય દરરોજ સવારે 6:30થી 8:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ શિબિરનું સૌથી મોટું આકર્ષણ તેનો અનોખો અભિગમ છે. સામાન્ય રીતે જીવનશૈલી અને સ્વાસ્થ્ય અંગેની શિબિરોમાં પ્રવચનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હોય છે, પરંતુ આ શિબિરમાં માત્ર સાંભળવાને બદલે પ્રત્યક્ષ અનુભવ અને પ્રયોગ દ્વારા જીવનમાં સારા પરિવર્તનો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ શિબિરના માધ્યમથી લોકોને પોતાના શરીર, મન અને જીવનશૈલી પ્રત્યે વધુ જાગૃત બનવાની તક મળશે.
પરમ આલયજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ શિબિરમાં સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ ત્રણેય બાબતોના સમન્વય દ્વારા વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં સ્વસ્થ આદતો કેળવી શકે અને જીવનને વધુ સુવ્યવસ્થિત તથા સકારાત્મક બનાવી શકે તેવો આશય રાખવામાં આવ્યો છે.
આ શિબિરમાં ભાગ લેનારાઓ માટે 15 થી 20 જેટલી વિવિધ વાનગીઓ સાથે વિશેષ અદૃશ્ય નાસ્તાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા રાખવામાં આવી છે. આમ, શિબિરમાં માત્ર માર્ગદર્શન જ નહીં પરંતુ સમ્યક આહારના વિવિધ પાસાનો અનુભવ કરવાની તક પણ મળશે.
મોરબીમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ શિબિર શહેરના નાગરિકો માટે જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાની એક સારી તક બની રહી છે.
ખાસ કરીને વહેલી સવારે સમય ફાળવીને સ્વાસ્થ્ય, વ્યાયામ, ધ્યાન અને સમ્યક આહાર અંગે સમજ મેળવવા ઇચ્છતા અંદાજે 4500 થી વધુ લોકો છેલ્લા 2 દિવસથી શિબિરનો લાભ લઈ રહ્યા છે. આ શિબિરમાં જોડાવા માટે 100 રૂપિયાની ફરજિયાત કાર્ડ એન્ટ્રી રાખવામાં આવી છે મોરબીના વધુમાં વધુ નાગરિકો આ અનોખી શિબિરમાં સહભાગી બની સાચી જીવનશૈલી, સારું સ્વાસ્થ્ય અને ધ્યાન અંગે નવી સમજ પ્રાપ્ત કરે તેવો આયોજક ટીમના અપરેશભાઈ પટેલ, પ્રમોદભાઈ વરમોરા, રાજુભાઈ ધમાસણા સહિતના આગેવાનોએ અનુરોધ કર્યો છે.