મોરબીમાં પૌત્રને ઝાપટો મારનારને સમજાવવા ગયેલ વૃદ્ધા ઉપર પાઇપ, છરી અને તલવાર વડે હુમલો કરી ઘરમાં તોડફોડ કરનાર પાંચની ધરપકડ
SHARE
મોરબીમાં પૌત્રને ઝાપટો મારનારને સમજાવવા ગયેલ વૃદ્ધા ઉપર પાઇપ, છરી અને તલવાર વડે હુમલો કરી ઘરમાં તોડફોડ કરનાર પાંચની ધરપકડ
મોરબીના વજેપર વિસ્તારમાં પૌત્રની સાથે ઝઘડો કરીને ઝાપટો મારનારા શખ્સને સમજાવવા માટે ગયેલ વૃદ્ધાને લોખંડના પાઇપ, છરો અને તલવાર વડે હુમલો કરીને માર મારવામાં આવ્યો છે અને તેના ઘરની અંદર તોડફોડ પણ કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધાને સારવારમાં રાજકોટ લઈને ગયા છે અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધાના ભણેજે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને પાંચે આરોપીઓની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વજેપર વિસ્તારમાં શેરી નં.૨૩ માં રહેતા ચંદુભાઈ બાબુભાઈ થરેસા જાતે કોળી (૩૭) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરસનભાઈ લખમણભાઇ બાંભણીયા રહે.વજેપર શેરી નં.૧૧, ગીરીશભાઈ નારણભાઈ કંઝારીયા રહે.વજેપર શેરી નં.૧૫, દશરથભાઈ દેવજીભાઈ વરાણીયા રહે.રામકુવા વાળી શેરી ત્રાજપર ખારી મોરબી-૨, વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ ઠાકોર રહે.રામદેવપીર મંદિર પાસે ત્રાજપર ખારી મોરબી-૨ અને રાહુલ રમેશભાઈ ધામેચા રહે.પંચમુખી હનુમાન મંદિર પાસે વેજીટેબલ રોડ મોરબી-૨ વાળાની સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતુ કે, આ પાંચેય શખ્સો દ્વારા મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા તેમના ફૈબા કાળીબેન વેલજીભાઈ ચૌહાણ (ઉમર ૬૫) ના ઘર ઉપર લોખંડના પાઇપ, છરો અને તલવાર જેવા હથિયાર ધારણ કરીને હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે આરોપી કરશનભાઈએ ફરિયાદીના ફૈબા કાળીબેન ચૌહાણને લોખંડના પાઇપ વડે માર મારીને માથામાં ગંભીર ઇજા કરી હતી.
ત્યારબાદ કરશનભાઈએ ઘરમાં પ્રવેશ કરીને ટીવી, કબાટ અને ફળિયામાં પડેલ મોટર સાયકલમાં લોખંડના પાઇપ મારીને તેમાં નુકસાની કરી હતી તો આરોપી ગીરીશભાઈએ છરા વડે તેઓના ફૈબા ઉપર હુમલો કર્યો હતો ત્યારે તેના ફૈબાએ છરીને પકડી લીધી હોય તેમને હાથમાં ઇજા થઈ હતી અને આંગળી કાપી નાખી હતી દશરથે તેના હાથમાં રહેલ તલવાર વડે ઘરમાં ટીવી, કબાટ અને ફળિયામાં પડેલ મોટરસાયકલમાં તોડફોડ કરીને નુકસાની કરી હતી અને અન્ય બંને આરોપીઓ દ્વારા ભૂંડા બોલી ગાળો આપીને કાળીબેન ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા કાળીબેન ચૌહાણને ઈજા થઇ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા.
હાલમાં ઈજા પામેલ વૃદ્ધાના ભાણેજ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પીએસઆઇ એસ.આઇ.પટેલ દ્રારા કરશન લખમણ બાંભણિયા (૨૩), ગિરીશ નારણ કણજારિયા (૨૧), દશરથ દેવજી વરાણીયા કોળી (૨૧), વિષ્ણુ પ્રહલાદ ઠાકોર (૨૦) અને રાહુલ રમેશ ધામેચા (૨૦) નામના પાંચેય આરોપીઓની ગણત્રીના કલાકોમાં જ ધરપકડ કરેલ છે.વધુમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ કાળીબેન ચૌહાણના દીકરા હર્ષદભાઈના દીકરા એટલે કે પૌત્ર ખોડા સાથે આરોપી કરશનભાઈએ ઝઘડો કરીને તેને ઝાપટ મારી હતી જેથી કરીને કાળીબેન ચૌહાણ તેને સમજાવવા માટે ગયા હતા ત્યારબાદ આ પાંચેય શખ્સો દ્વારા તેના ઘર ઉપર પાઇપ, તલવાર અને છરા વડે ઘસી આવીને હુમલો કરવામાં આવ્યો હતો.