વાંકાનેર નજીકના બોગસ ટોલનાકાના પ્રકરણમાં વઘાસિયાના સરપંચ સસ્પેન્ડ
SHARE
વાંકાનેર નજીકના બોગસ ટોલનાકાના પ્રકરણમાં વઘાસિયાના સરપંચ સસ્પેન્ડ
મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યું હતું જેને લઈને આખા રાજ્યમાં ઓહાપોહ મચી ગયો હતો અને ત્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વઘાસિયાના સરપંચ અને તેના ભાઈ સહિતનાઓની સામે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ કેસને ધ્યાને રાખીને મોરબીના ડીડીઓ દ્વારા વઘાસિયાના સરપંચને તેના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી.
જે ગુનામાં અગાઉ પોલીસે આરોપી તરીકે વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને તેના ૧૦ દિવસના રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડ પૂરા થતાં વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે કેસને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ૫૯ (૧) અંતર્ગત તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.