મોરબીમાં રમતા રમતા ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા ચાર વર્ષના બાળકનું મોત
SHARE








મોરબીમાં રમતા રમતા ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા ચાર વર્ષના બાળકનું મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નિચી માંડલ ગામની પાસેના ટાઇલ્સ કટીંગના કારખાનામાં લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો ચાર વર્ષનો બાળક રમતો હતો ત્યારે રમતા રમતા ઇલેક્ટ્રીક શોટ લાગતાં તેનું મોત થયેલ છે.
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા નીચી માંડલ ગામે ગુરૂકૃપા એન્ટરપ્રાઇઝ નામના ટાઇલ્સ કટીંગના કારખાનામાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરિવારનો ભાર્ગવ સંજયભાઈ ઠાકોર નામનો ચાર વર્ષનો બાળક તા.૨૪ ના રોજ સવારે અગીયારેક વાગ્યાના આરસાના ઓરડીમાં રમી રહ્યો હતો ત્યારે તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હોવાથી તેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
દવા પી જતા સારવારમાં
મોરબીના જેતપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના તુલાબેન માનસિંગભાઈ પગી નામની ૨૪ વર્ષીય મહિલાએ વાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ જેતપર પીએચસી ખાતે ત્યાંથી અહીંની સરકારી હોસ્પિટલએ અને બાદમાં મોરબીની ખાનગી મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હોય હાલ બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતી ધરતી ભરતભાઈ બારેજિયા તા.૨૪ ના રોજ સવારના સાયકલમાં જતી હતી.ત્યારે શોભેશ્વર નજીક આવેલ ધર્મસિદ્ધિ સોસાયટી પાસે તે સાયકલમાંથી નીચે પડી જતા ઈજા થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
આધેડ મહિલા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા મકનસર ગામે રહેતા મહિલા બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઇજા પામ્યા હતા. તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નવા મકનસર ગામે રહેતા શારદાબેન રમેશભાઈ કુંભાર નામના ૫૫ વર્ષના મહિલ બાઇકની પાછળ બેસીને જતા હતા ત્યારે ગામના રામદેવપીર મંદિર પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા સારવાર માટે ખાનગી હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના બી.જી. દેત્રોજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
