મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે બે રથની ફાળવણી કરાઈ
SHARE
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે બે રથની ફાળવણી કરાઈ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા.૧૮ મી નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી પંચાયત, ગ્રામ વિકાસ અને અન્ય વિભાગોને સાંકળીને વિકાસ કામોના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ માટે મોરબી જિલ્લામાં બે રથની ફાળવણી કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે જિલ્લા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવારના રોજ બેઠક મળી હતી.કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી બેઠકમાં આગામી ૧૮ નવેમ્બર થી ૨૦ નવેમ્બર સુધી મોરબી જિલ્લામાં રથ દ્વારા વિવિધ વિભાગોની કામગીરી, યોજનાઓ, લાભાર્થીઓને કીટ વિતરણ, નિદર્શન, ખાતમૂહુર્ત, લોકાર્પણ સહિતના વિવિધ કામો માટેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જનજાગૃતિ રથમાં સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી, આઇ-ખેડૂત પોર્ટલ, પર્યાવરણ જનજાગૃતિ, પ્લાસ્ટીક નાબૂદી, પશુ નિદાન કેમ્પ, દૂધ ઉત્પાદન વધારવા માટે જાગૃતિના પ્રયાસો, વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટનું વિતરણ, આરોગ્ય કેમ્પ, વેક્સીનેશન કેમ્પ, રથના રૂટની ચર્ચા તેમજ રથની વ્યવસ્થા અંગે તમામ વિભાગોના અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલે બેઠકનું સંચાલન કર્યું હતું.અધિક કલેક્ટર એન.કે. મુછાર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષીએ માર્ગદર્શન આપી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે રથના રૂટ અને વિશેષ કામગીરી કરવા માટે સુચનો કર્યા હતા.બેઠકમાં અમલીકરણ સમિતિના તમામ સભ્યો, જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ, તમામ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.