બજેટ ઉપર મીટ: મોરબીમાં મંદીનો સામનો કરતાં ઉદ્યોગકારોને હુફ-ઉદ્યોગને બુસ્ટ મળે તેવી જાહેરાતની આશા-અપેક્ષા
SHARE
બજેટ ઉપર મીટ: મોરબીમાં મંદીનો સામનો કરતાં ઉદ્યોગકારોને હુફ-ઉદ્યોગને બુસ્ટ મળે તેવી જાહેરાતની આશા-અપેક્ષા
કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થવાનું છે ત્યારે મોરબીની આસપાસમાં આવેલા સિરામિક સહિતના ઉદ્યોગના માલિકો ઘણી બધી અપેક્ષા કેન્દ્ર સરકારના બજેટ ઉપર રાખી રહ્યા છે કેમ કે, છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગમાં મંદી જેવો માહોલ છે ત્યારે સરકાર દ્વારા સિરામિક સહિતના ઉદ્યોગ બુસ્ટ અને ઉદ્યોગકારોને હૂફ મળે તેવી જાહેરાત કરવામાં આવે તેવી સહુ કોઇની માંગ છે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્ષ આપે છે તેની સાથોસાથ લાખો લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી પણ આપે છે ત્યારે મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સ, વોલ ટાઈલ્સ, ફલોર ટાઈલ્સ અને સેનેટરી વેર્સના કારખાના આવેલ છે અને આ કારખાનામાં ઉત્પાદન માટે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જે ગેસ ઉપર 6 ટકા વેટ લાગે છે જો તેને જીએસટીમાં સમાવવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થાય તેમ છે તેવી જ રીતે નવલખી પોર્ટને જો એકપોર્ટ માટે ડેવલોપ કરવામાં આવે અને ભારત સરકારની પોતાની શિપિંગ લાઇન શરૂ કરવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગને બુસ્ટ મળે તેવી શક્યતા છે. તેવું મોરબી સિરામિક એસો. પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યુ છે.
મોરબીની આસપાસ પાસમાં પેપર મિલ, પેકેજિંગ, પોલિપેક વિગેરેના સંખ્યાબધ્ધ કારખાના આવેલ છે અને તેમાંથી ઘણા કારખાના છેલ્લા ઘણા સમયથી બંધ છે જો પેપર મિલની વાત કરીએ તો 85 જેટલી પેપર મિલ મોરબીની આજુબાજુમાં છે તેમાંથી 23 જેટલી મિલો બંધ થઈ ગયેલ છે અને 52 મિલો ચાલી રહી છે તે પણ ઘણી મુશકેલીનો સામનો કરી રહી છે તેવું મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ શૈલેશભાઈ પટેલે જણાવ્યુ છે અને આગમી દિવસોમાં કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમન દ્વારા કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવે તેમાં ખાસ કરીને પેપર મિલમાં જે ઇમ્પોર્ટ વેસ્ટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉપર સરકારે લગાવેલ ડ્યુટીને હટાવવામાં આવે તો મોરબીના પેપર મિલ ઉદ્યોગને ફાયદો થાય તેમ છે.
છેલ્લા ઘણા વર્ષોથી અહીના ઉદ્યોગકારો કેન્દ્ર સરકારનું બજેટ આવવાનું હોય છે તેના પહેલા પોતાની માંગણી મોકળાવે છે અને બજેટને લઈને ઘણી આશા અને અપેક્ષા રાખીને બેઠા હોય છે જો કે, અહીના ઉદ્યોગને સીધો ફાયદો થાય તેવી કોઈ જાહેરાત આજ દિવસ સુધીના બજેટમાં કયારે પણ કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં આવનાર બજેટમાં કોઈ સીધો ફાયદો થાય તેવી જાહેરા સરકાર દ્વારા કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું છે.