વાંકાનેરના નવા રાજાવડલા ગામે નજીવી વાતમાં ધોકા, પાઇપ અને સળિયા વડે માથા ફાડી નાખ્યા, કુલ સાતને ઇજા
SHARE
વાંકાનેરના નવા રાજાવડલા ગામે નજીવી વાતમાં ધોકા, પાઇપ અને સળિયા વડે માથા ફાડી નાખ્યા, કુલ સાતને ઇજા
વાંકાનેર નજીક આવેલ નવા રાજાવડલા ગામના ઝાપા પાસેથી બાઈક લઈને જઈ રહેલા યુવાનના બાઈક સાથે ચાલીને જતા શખ્સનો હાથ અથડાયો હતો જેથી બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ માથાકૂટ થઈ હતી જેમાં બંને પક્ષેથી પાઇપ, સળિયા અને ધોકા વડે મારામારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ નવા રાજાવડલા ગામે રહેતા રોહિતભાઈ રાજેશભાઈ છત્રોટીયા (18)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અવિનાશ બેચરભાઈ દેત્રોજા, નવઘણ બેચરભાઈ દેત્રોજા, શ્યામજી વિનોદભાઈ દેત્રોજા અને ચેતન બેચરભાઈ દેત્રોજા રહે બધા નવા રાજાવડલા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને નવઘણ સાથે એકાદ વર્ષ પહેલાં બોલાચાલી થયેલ હતી અને ફરિયાદી પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે શ્યામજી દેત્રોજા ચાલીને જઈ રહ્યો હતો અને તેનો હાથ ફરિયાદીને અડી જતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપીને અવિનાશ દેત્રોજાએ ફરિયાદી યુવાનના પિતાને લોખંડના પાઇપ વડે માથામાં માર માર્યો હતો અને ગંભીર ઇજા કરી હતી તેમજ પગમાં પણ મારમારીને ઇજા કરી હતી તો ફરિયાદીના કાકા રમેશભાઈને નવઘણ દેત્રોજાએ લોખંડના પાઇપ વડે પીઠના ભાગે માર માર્યો હતો જ્યારે શ્યામજી દેત્રોજાએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા પગમાં મારમારીને ઈજા કરી હતી અને ચેતન દેત્રોજાએ ફરિયાદીને ઢીકાપાટુનો મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જ્યારે આ બનાવમાં સામાપક્ષેથી શ્યામજીભાઈ વિનોદભાઈ દેત્રોજા (23)એ રોહિત રાજેશભાઈ છત્રોટીયા, રાજેશ માનસિંગભાઈ છત્રોટીયા, રમેશ ઉર્ફે ફૂકો માનસિંગભાઈ છત્રોટીયા અને રોનક રાજેશભાઈ છત્રોટીયા રહે. બધા નવા રાજાવડલા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, તેને આરોપીઓ સાથે એકાદ વર્ષ પહેલા બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી હતી અને ત્યારે રાજેશભાઈએ અવિનાશને માથામાં લોખંડનો પાઇપ માર્યો હતો જેથી તેને ગંભીર ઇજા થયેલ છે જ્યારે રમેશ ઉર્ફે ફુકો છત્રોટીયાએ નવઘણને લોખંડના પાઇપ વડે માથામાં મારમારીને ઇજા કરી હતી તેવી જ રીતે રોહિત છત્રોટિયાએ લાકડાના ધોકા વડે ફરિયાદીને ડાબા હાથની હથેળી પાસે મારમારીને ઈજા કરી હતી અને રોનક છત્રોટિયાએ ઢીકાપાટુનો મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આમ મારામારીના આ બનાવ સંદર્ભે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.