લાલચ-ધમકી આપીને લીધા અંગૂઠાના નિશાન: મોરબીના 602 જમીન કૌભાંડમાં મહિલા આરોપીએ હાઇકોર્ટમા કર્યું સ્ફોટક સોગંદનામું
SHARE








લાલચ-ધમકી આપીને લીધા અંગૂઠાના નિશાન: મોરબીના 602 જમીન કૌભાંડમાં મહિલા આરોપીએ હાઇકોર્ટમા કર્યું સ્ફોટક સોગંદનામું
મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે જો કે, આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોના પગ નીચેથી જમીન નીકળી જાય તે પ્રકારનું એક સોગંદનામુ મહિલા આરોપીએ તેના વકીલ મારફતે હાઇકોર્ટમાં કરી દીધું છે અને “તે પોતે અભણ અને અજ્ઞાની છે અને તેને સરકારી સહાય તેમજ મકાન માટે લોન આપવાની લાલચ આપીને જુદા જુદા કાગળો ઉપર તેણીના અંગૂઠા લેવામાં આવ્યા છે આટલું જ નહીં જુદી જુદી જગ્યા ઉપર વકીલો પાસે લઈ જઈને ત્યાં કાગળમાં શું લખ્યું છે તે અંગેની કોઈ માહિતી કે સમજ આપ્યા વગર તેમના અંગૂઠા લેવામાં આવ્યા છે અને જો તે મહિલા જમીનનો દસ્તાવેજ ન કરી આપે તો તેણીને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.તેવું સોગંદનામામાં લખ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જમીનના કૌભાંડો તો ઘણી વખત થતા હોય છે અને તે જમીન કૌભાંડો જ્યારે બહાર આવે ત્યારે આરોપીઓની ધરપકડો પણ થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાથી મોરબીની અંદર વજેપર સર્વે નંબર 602 ના જમીન કૌભાંડની ચર્ચાઓ ચાલી રહી છે અને આ જમીન કૌભાંડમાં પ્રાંત અધિકારી સુશિલ પરમાર દ્વારા જે ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો વગેરે જેવા પુરાવોના આધારે વારસાઈ એન્ટ્રી મંજૂર કરવામાં આવી હતી.તે વારસાઈ એન્ટ્રીની સામે જમીનના મૂળ માલિકે અપીલ કરી હતી.જે અપીલ કેસમાં તાજેતરમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા પ્રાંત અધિકારીએ મંજૂર કરેલ વારસાઈ એન્ટ્રીને રદ કરવામાં આવેલ છે.જેથી જમીન કૌભાંડ થયું હતું તે વાતને તો સમર્થન મળી જ ગયું છે.પરંતુ આ જમીન કૌભાંડની અંદર સંડોવાયેલા જે કોઈ શખ્સો છે તેના પગ નીચેથી જમીન નીકળી જાય તે પ્રકારનું એક સોગંદનામુ હાઇકોર્ટની અંદર કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે 602 જમીન કૌભાંડના મૂળ માલિક ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 15/3/2025 ના રોજ શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા નામના બે વ્યક્તિઓની સામે જમીન કૌભાંડની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને તેની તપાસ હાલમાં મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.પોલીસ બેડામાં થતી ચર્ચા મુજબ આરોપીઓ વિરૂદ્ધ મજબૂત પુરાવાઓ એકત્રિત કરવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા જુદી જુદી અનેક દિશાઓમાં આ જમીન કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે.તેવામાં જે મહિલા આરોપીને પકડવાના બાકી છે.તે શાંતાબેન પરમારના વકીલ દ્વારા હાઇકોર્ટમાં એક સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે.જેમાં શાંતાબેન પરમારને સાગર ફુલતરીયા અને તેની ટોળકી દ્વારા સરકારી સહાય આપવાનું કહીને તેમજ મકાન માટે લોન આપવાનું કહીને જુદા જુદા કાગળોમાં અંગૂઠા લેવામાં આવ્યા હતા.તેવું લખવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આટલું જ નહીં પરંતુ જમીન કૌભાંડને લઈને વાંધા અરજીથી માંડીને વારસાઈ એન્ટ્રી રદ થઈ ત્યાં સુધીની જે પ્રક્રિયાઓ થઈ તે દરમિયાન કંઈક ખોટું થઈ રહ્યું હોવાની મહિલાને શંકા ગઈ હોવાથી તેણે કોઈપણ કાગળમાં અંગુઠો કરવાની ના પડી હતી.પરંતુ સાગર ફુલતરીયા તથા તેની ટોળકી દ્વારા આ મહિલા આરોપીને ધાક ધમકી આપીને તેમજ પોતાની સાથે જોડાયેલા લોકોનો સરકારી કચેરીઓ અને પોલીસમાં ધરબો છે જેથી ખોટા કેસમાં ફીટ કરી દેશે તેવી મહિલાને ધમકી આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખીએ છે કે, મહિલા દ્વારા જે સોગંદનામુ કરવામાં આવ્યું છે તેમાં તેઓએ સ્પષ્ટપણે લખ્યું છે કે, તે અભણ અને અશિક્ષિત છે અને તેની પાસેથી જે કાગળો ઉપર અંગૂઠા લેવામાં આવ્યા છે તેમાં શું લખ્યું છે તેની કોઈપણ માહિતી કે કોઈપણ સમજ તેમને આપવામાં આવી ન હતી અને તેના અંગૂઠા કાગળ ઉપર લેવામાં આવ્યા છે આમ મહિલા દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલા સોગંદનામાંના લીધે અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.
અત્રે ઉલ્લેખીએ છે કે, જમીનના મૂળ માલિક દ્વારા જ્યારે ફરિયાદ નોંધાવવામાં આવી રહી હતી ત્યારે તેઓઅ જે લોકોના નામ આપ્યા હતા તેની સામે ફરિયાદ લેવાના બદલે માત્ર શાંતાબેન પરમાર સામે જ ફરિયાદ લેવા માટે થઈને મૂળ ફરિયાદી ઉપર પોલીસ અધિકારી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદ લીધાના બીજા જ દિવસે ફરિયાદીએ પોલીસે લીધેલ ફરિયાદની સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.જોકે, હવે શાંતાબેન પરમારે તેમના વકીલ મારફતે હાઇકોર્ટની અંદર સોગંદનામુ રજૂ કરીને વટાણા વેરી દીધા છે.ત્યારે ક્યાંકને ક્યાંક અમુક અધિકારીઓની પણ આ જમીન કૌભાંડમાં શંકાસ્પદ ભૂમિકા હતી.તે વાતને નકારી શકાય તેમ નથી અને જમીનના મૂળ માલીકને અગાઉ કલેક્ટરે આપેલ ખાતરી બાદ જમીનના મૂળ માલીકે 17 લોકોના નામ સાથેનું વિશેષ નિવેદન આપ્યું હતું.જો કે, આ કૌભાંડમાં આરોપી તરીકે કોના કોના નામ આવશે..? એ તો આગામી સમય જ બતાવશે.

