મોરબીના નીચી માંડલ પાસેના કારખાનામાં સ્લીપ થઈને પડી જતા હેમરેજ થવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના નીચી માંડલ પાસેના કારખાનામાં સ્લીપ થઈને પડી જતા હેમરેજ થવાથી યુવાનનું મોત
મોરબી હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે કારખાનામાં રહી મજૂરી કામ કરતાં પરિવારનો યુવાન કારખાનાના માટી ખાતામાં હતો ત્યાં રગડામાં તેનો પગ આવતા તે લપસી ગયો હતો અને પડી જતા માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજયુ હતું.
મોરબી તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મજૂરીકામ માટે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા કેરાવીટ સિરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને માટી ખાતામાં મજૂરી કામ કરતા પરિવારનો રીતેશ ભુવનભાઈ સોલંકી નામનો ૧૮ વર્ષનો યુવાન રાત્રિના માટી ખાતામાં કામ ઉપર હતો ત્યારે માટી ખાતામાં રગડામાં (લીકવીડ સ્લરી) તેનો પગ આવ્યો હતો અને તે લપસી ગયો હતો.લપસીને પડી જતા તેને માથાના ભાગે હેમરેજ જેવી ઇજાઓ પહોંચી હતી અને તેને બેભાન હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા ત્યાં તેને જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે પ્રિતેષ સોલંકી નામના યુવાનને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે હાલ મૃતકના ડેડબોડીને તેના વતન મધ્યપ્રદેશ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
દારૂ સાથે પકડાયો
મોરબીના વાંકાનેર હાઇવે એક્ષલ સીરામીક સામેના ભાગે સર્વિસ રોડ ઉપરથી પસાર થતા હરેશ પ્રેમજીભાઈ બાવળીયા કોળી (૩૬) રહે. રાતાવિરડા તા.વાંકાનેર મૂળ રહે.નવાગામ બામણબોર જી.રાજકોટ ને અટકાવીને તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો.ત્યારે તેની પાસેથી બે બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૧૧૨૨ ની કિંમતના દારૂ સાથે હરેશભાઈ કોળી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.તે આ દારૂની બોટલ લોકોની પાસેથી લાવ્યો હતો ? તે સહિતની બાબતો માટે તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં પાંચને ઇજા
મોરબીના ઘુંટુ ગામે આવેલ જનકનગર વિસ્તારમાં રહેતા લોકો ઘુંટુંથી કડી જવા નીકળ્યા હતા.તે દરમિયાન હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે રોંગ સાઈડમાં આવતી ગાડી સાથે વાહનની અથડામણ થઈ હતી.જેમાં ઇજા થતાં હસમુખમતીબેન સનારીયા (૩૬), ધ્રુમીત બળદેવભાઈ સનારીયા (૧૮), પ્રદ્યુમનભાઇ પ્રાણજીવનભાઈ સનારીયા (૩૭), પીનાક હર્ષદભાઈ સનારીયા અને મન પ્રદ્યુમનભાઈ સનારીયાને ઇજાઓ થતા શહેરના સામાકાંઠે શિવમ હોસ્પિટલને સારવાર માટે લઈ જવાયા હતા. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.