મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન
SHARE
મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન
નર્મદાની માળીયા કેનાલના આધારે ખેડૂતોએ પોતાન ખેતરમાં કપાસનું વાવેતર કરી નાખ્યું હતું જો કે, નર્મદાની કેનાલમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી સિચાઈનું પાણી આવી રહ્યું નથી જેથી ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે માટે વહેલી તકે તેઓને સિંચાઈ માટેનું પાણી મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને સાથોસાથ કોઈપણ જગ્યાએ પાણીનો બગાડ થતો હોય કે પાણી બકનળી મૂકીને ખેંચવામાં આવતું હોય તો તે બકનળીઓ બંધ કરીને છેવડાના ગામ સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાશે.
દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે થઈને આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ માળીયા તાલુકાનાં વિશાલનગર, સુલ્તાનપુર, વાધરવા, ખીરઇ, પંચવટી, માણાબામ વિજયનગર, ચિખલી સહિતના ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી આવશે તેવી અપેક્ષા સાથે વાવતેર કર્યું હતું જો કે, છેલ્લા ચાર દિવસથી કેનાલમાં પાણી આવી રહ્યું નથી. જેથી ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે અને જો કપાસના પાક માટે બીજા પાણનું પાણી ન મળે તો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. હાલમાં ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે આગોતરા પાકનું વાવેતર કર્યું છે પરંતુ તેઓને સીંચાઈનું પાણી ન મળતા હાલમાં ખેડૂતોની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગયેલ છે. ત્યારે માળિયા તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે વહેલી તકે પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.