મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા
SHARE









મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા
મોરબીના વાવડી રોડને આઇકોનિક રોડ બનાવવા માટે થઈને છ મહિના પહેલા કમિશ્નર દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ આજની તારીખે ત્યાં ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોર સહિતના અનેક પ્રશ્નો છે. જેથી આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે સ્થાનિક મહિલાઓ સહિતનાઓ દ્વારા મહાનગરપાલિકા હાય હાયના સૂત્રોચાર કરીને છાજીયા લેવામાં આવ્યા હતા
મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારબાદ તુર્ત જ એટલે કે ગત જાન્યુઆરી મહિનામાં મોરબીના વાવડી રોડ ઉપર કમિશનર સ્વપ્નિલ ખરે સહિતનાઓની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વાવડી રોડને આઇકોનિક રોડ બનાવવા માટે થઈને જાહેરાત કરવામાં આવી હતી જેમાં ડીવાઈડરને કલર કામ કરવું, બેન્ચીસ મુકવા, ગાર્ડન ડેવલપ કરવું, સ્ટ્રીટ લાઇટ મૂકવી, ગંદકી દૂર કરવી, દબાણ દૂર કરવા વિગેરેનો સમાવેશ થતો હતો.
દરમિયાન ત્યાં આજની તારીખ પણ મુખ્ય માર્ગ ઉપર ગંદકીના થર જામેલા છે અને આઇકોનિક રોડ જેવી કોઈ સ્થિતિ ત્યાં જોવા મળતી નથી જેથી આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખીને ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ તકે મહાનગરપાલિકા હાય હાય, કમિશનર હાય હાય, ધારાસભ્ય હાય હાય જેવા સૂત્રોચાર કરીને સ્થાનિક મહિલાઓ દ્વારા છાજિયા લેવામાં આવ્યા હતા.
વધુમાં મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, હાલમાં કમિશનર દ્વારા જે રીતે મોરબી શહેરની અંદર વન વિક વન રોડ દબાણ દૂર કરવા માટે થઈને ઝુંબેશ ચલાવવામાં આવે છે તેવી જ રીતે હવે કોંગ્રેસ દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ શરૂ કરીને ગંદકીને લગતા પ્રશ્નો તેમજ લોકોની સમસ્યાઓને ઉજાગર કરવામાં આવશે અને લોકોના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તેના માટે કોંગ્રેસ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવશે.
તો અંતમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ કહ્યું હતું કે, 2047 માં વિકસિત ભારતની વાતો કરવામાં આવે છે અને મોરબીના ધારાસભ્ય નરેન્દ્ર મોદીએ કરેલા કામોની વાતો કરે છે પણ મોરબીના લોકોની સમસ્યાઓ તેઓને દેખાતી જ નથી જેથી મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામ કરવામાં આવે તે જરૂરી છે. આ બાબતે ડેપ્યુટી કમિશ્નર સંજયભાઇ સોની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ડિવાઈડરને કલર કામ, બેંચીસ મૂકવાનું કામ વિગેરે જેવા કામો છેલ્લા માહિનામાં કરવામાં આવેલ છે અને બાકીના કામોને આગામી 15 મી ઓગસ્ટ સુધીમાં પૂરા કરવામાં આવશે.
