મનસેના પ્રમુખ રાજ ઠાકરે સામે રાજદ્રોહ-રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની માંગ મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘે એ ડિવિઝનમાં આવેદનપત્ર આપ્યું
SHARE









મનસેના પ્રમુખ રાજ ઠાકરે સામે રાજદ્રોહ-રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની માંગ મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘે એ ડિવિઝનમાં આવેદનપત્ર આપ્યું
મુંબઈમાં યોજાયેલ જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ગુજરાતના લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે ત્યારે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘની આગેવાની હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજ ઠાકરે વિરોધ રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે
તાજેતરમાં મુંબઈ ખાતે એક જાહેર કાર્યક્રમની અંદર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા દેશના પનોતા પુત્ર તેમજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી ગુજરાતના લોકો તેમજ દેશના રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાય છે અને જેથી મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના મનોજભાઈ પનારાની આગેવાની હેઠળ આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં જણાવ્યુ છે કે, રાજ ઠાકરે જેવા બે કોડીના નેતા જેનું મુંબઈમાં પણ કોઈ સ્થાન નથી તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને શું માને છે. શું નથી માનતા તેનાથી આ રાષ્ટ્રની સરદાર પ્રેમી જનતાને કોઈ ફેર પડતો નથી કેમ કેમ સરદાર લોહપુરુષ હતા અને રાષ્ટ્ર માટે રહેશે. જેથી ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ ઠાકરેની ગુજરાતમાં પ્રવેશબંધી કાયદાકીય રીતે કરવામાં આવે તેમજ રાજ ઠાકરે સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈની જાહેરમાં માફી માંગે અને માફી ન માંગે તો રાષ્ટ્ર નાયકના અપમાન બદલ તેની સામે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી રાજ ઠાકરેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે જો રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈની માફી માંગવામાં નહીં આવે તો તેની સામે આગામી દિવસોમાં કોર્ટની અંદર દાવો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

