મોરબીના આંદરણા ગામેથી સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત
સાપે દંશ દેતા વાંકાનેરના નવા મહીકા ગામે ઘરમાં સૂતેલ માતા-પુત્ર અને મોરબીમાં યુવાનનું મોત
SHARE








સાપે દંશ દેતા વાંકાનેરના નવા મહીકા ગામે ઘરમાં સૂતેલ માતા-પુત્ર અને મોરબીમાં યુવાનનું મોત
વાંકાનેરના નવા મહીકા ગામે ધાર વિસ્તાર ઉપર ભોયતળિયે સુતેલા માતા અને પુત્રને સાપે દંશ દેતા તે બંને ને સારવાર મળે ત્યારે પહેલા જ તેનું મોત નીપજયું હતું અને આવી જ રીતે મોરબીમાં આલાપ રોડના ખૂણા પાસે ઓરડીમાં સુતેલા યુવાનને સાપે દંશ દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
મૂળ ભચાઉ તાલુકાના અધોઇ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના મહીકા ગામની ધાર વિસ્તારમાં રહેતા કાજલબેન ઘોઘાભાઈ સોઢા (35) અને તેનો દીકરો કિશનભાઇ ઘોઘાભાઈ સોઢા (10) બંને મહિકા ગામે ધાર વિસ્તારમાં પોતાના ઘરે ભોયતળિયે સૂતા હતા દરમ્યાન રાત્રીના સમયે તેને ઝેરી સાપે દંશ દેતા તાત્કાલિક તે બંનેને સારવાર માટે વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે માતા અને પુત્રને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડના ખૂણા પાસે સ્મશાનની સામેના ભાગમાં ગોવિંદભા ગઢવીની ઓરડીમાં રહેતા પપ્પુભાઈ ભીમચંદ સિંગાડ (33) નામનો યુવાન પોતાના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે સૂતો હતો દરમિયાન તેને ઝેરી સાપે દંશ દેતા ઝેરી અસર થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
