માળિયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડ: પત્રકાર અતુલ જોશીના આગામી સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર, ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કરવા કવાયત
SHARE








માળિયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડ: પત્રકાર અતુલ જોશીના આગામી સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર, ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કરવા કવાયત
માળીયા (મી) તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં મોરબીના પત્રકાર અતુલ જોશીની સીઆઇડીની ટીમ દ્વારા આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી અને તપાસનીસ અધિકારી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તપાસનીસ અધિકારીની દલીલ તેમજ આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીના આગામી સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
માળિયા (મી)ના સરવડ ગામના રહેવાસી ખેડૂત ખાતેદાર મહેશ પ્રભાશંકર રાવલ કે જેઓનું થોડા સમય પહેલા જ બીમારી સબબ અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને સોગંદનામાં દીકરી બતાવીને બોગસ વારસાઈ આંબો મેળવ્યો હતો અને તેના તેના આધારે રેવન્યુ રેકર્ડમાં તે મહિલાને ખેતીની જમીનમાં વારસદાર બનાવમાં આવી હતી. જે કૌભાંડ બાબતે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનાર, બોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પહેલા સરવડના તત્કાલિન તલાટિ મંત્રી ભરતભાઈ ખોખર અને સાગર આંબરામભાઈ ફૂલતરિયાની ધરપકડ કરીને તેના રિમાન્ડ ઉપર લીધા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે.
આ ગુનાની તપાસ કરી રહેલા રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા અને તેની ટિમ દ્વારા ત્રીજા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તપાસનીસ અધિકારીની દલીલ તેમજ આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આરોપી પત્રકાર અતુલ જોશીના આગામી સોમવાર સુધી એટ્લે કે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વધુમાં આ બાબતે તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આરોપીએ તેની માતાની ખોટી સહી કરી હોવાથી તેના હસ્તાક્ષર અને સહીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે તેમજ આરોપી પાસેથી રિમાન્ડ દરમ્યાન ઓરીજનલ દસ્તાવેજ કબજે કરવા અને અન્ય કોણ કોણ આરોપી સંડોવાયેલ છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.
ઉલેખનીય છે કે, હાલમાં સીઆઇડીની ટીમે જે આરોપીને રિમાન્ડ ઉપર લીધેલ છે તેની થોડા દિવસો પહેલા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલની ટીમે મોરબીના 602 જમીન કૌભાંડમાં ધરપકડ કરી હતી અને કોર્ટમાંથી તેના રિમાન્ડ મેળવ્યા હતા જો કે, તે ગુનામાં આરોપીના રિમાન્ડ પૂરા થયા બાદ તેને મોરબીની જેલ હવાલે કરવામાં આવતા આરોપી અતુલ જોશીની માળિયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં ધરપકડ કરીને તેને હાલમાં રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે. અને લોકોમાં થતી ચર્ચા મુજબ હાલમાં મોરબી જીલ્લામાં જ નહીં સમગ્ર રાજયમાં મોરબીનું વજેપર 602 જમીન કૌભાંડ અને માળિયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડ ચર્ચામાં છે ત્યારે આગામી સમયમાં આ ગુનામાં કોની ધરપકડ થશે તેના ઉપર સહુની નજર મંડાયેલ છે.
