ટંકારાના ઘુનડા ગામે રહેતા યુવાને ધંધા માટે લીધેલ 15 લાખ સામે પરિવારે 78 લાખ ચૂકવી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !
SHARE









ટંકારાના ઘુનડા ગામે રહેતા યુવાને ધંધા માટે લીધેલ 15 લાખ સામે પરિવારે 78 લાખ ચૂકવી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !
ટંકારાના ઘુનડા ગામે રહેતા આધેડ મહિલાના દીકરાએ ધંધા માટે 15 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધેલ હતા જેની સામે તેણે 27 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા દરમિયાન તે યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું ત્યારબાદ વ્યાજખોર શખ્સ દ્વારા મૃતક યુવાનના માતા-પિતા પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ કરવામાં આવી હતી અને છેલ્લા બે વર્ષમાં તેઓની પાસેથી 51 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા આમ કુલ 78 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજની ફોન ઉપર અને ઘરે આવીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ફરિયાદી મહિલા તથા તેના પતિએ આપેલ સહી વાળા કોરા ચેક બેંકમાં જમા કરાવીને રિટર્ન કરાવીને કેસ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે જેથી ભોગ બનેલ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઘુનડા ગામે રહેતા મુક્તાબેન ચંદુલાલ બરાસરા (55)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ દેવાભાઈ જારીયા રહે. ઉમિયાનગર સોસાયટી રવાપર ઘુનડા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓના દીકરા ધર્મેશે ધંધાર્થે આરોપી પાસેથી 15 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધેલ હતા અને ફરિયાદીના દીકરાએ આરોપીને 27 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા દરમિયાન બીમારી સબબ તેનું મોત નીપજયું હતું. ત્યાર બાદ આરોપીએ ફરિયાદી અને તેના પતિ પાસેથી વ્યાજના રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી અને છેલ્લા બે વર્ષમાં વ્યાજના 36 લાખ તથા મુદલના 15 લાખ આમ કુલ મળીને 51 લાખ રૂપિયા આપવામાં આવેલ છે જેથી ફરિયાદી અને તેના દીકરાએ કુલ મળીને આરોપીને 15 લાખની સામે 78 લાખ રૂપિયા ચૂકવી દીધી છે તો પણ આરોપી દ્વારા ફરિયાદી પાસેથી અવારનવાર વ્યાજના રૂપિયાની ફોન ઉપર અને ઘર આવીને ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ ફરિયાદી અને તેના પતિને તેઓની સહીવાળા કોરા ચેક આરોપીને આપ્યા હતા જે બેંકમાં નાખી રિટર્ન કરાવીને કેસ કરી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાળક સારવારમાં
મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા જયેશભાઈ કાંજીયાનો 12 વર્ષનો દીકરો પ્રેમ બાઇકમાં બેસીને સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.
વૃદ્ધા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા કસ્તુરબેન વલ્લભભાઈ (92) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને રવાપર રોડ ઉપર ગાયત્રી ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેઓને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
