આનંદો: મોરબી અને માળિયા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ 90 ટકા ભરાયો, રાત સુધીમાં ઓવરફ્લો થવાના સંકેત
SHARE







આનંદો: મોરબી અને માળિયા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ 90 ટકા ભરાયો, રાત સુધીમાં ઓવરફ્લો થવાના સંકેત
મોરબી જિલ્લામાં જોધપર ગામ પાસે આવેલ મહાકાય મચ્છુ 2 ડેમ મોરબી તથા માળીયા તાલુકા માટે આશીર્વાદ સમાન ડેમ છે કારણ કે આ ડેમ ઓવરફ્લો થાય એટલે એક વર્ષ માટે મોરબી અને માળિયાના લોકોને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળે છે સાથોસાથ ખેડૂતોને પણ સિંચાઈ માટે જરૂરીયાત સમયે પાણી મળી રહેતું હોય છે જોકે આ વખતે છેલ્લા દિવસો સુધી મચ્છુ 2 ડેમ માત્ર 40% જેટલો ભરાયેલો હતો અને ગઈકાલે સવારે 70% આ ડેમ ભરેલો હતો અને છેલ્લી 24 કલાકમાં 20 ટકા પાણીનો વધારો થતા 90% ડેમ ભરાઈ ગયો છે અને લગભગ રાત સુધીમાં ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે
મેઘરાજાની છેલ્લી બેટિંગ ચાલી રહી છે અને કેટલાક વિસ્તારોની અંદર સાંબેલાધારે વરસાદ પડી રહ્યો છે જોકે ચાલુ વર્ષે મોરબી જિલ્લાની વાત કરીએ તો ધીમીધારે સતત વરસાદ પડ્યો હોવાના કારણે સ્થાનિક જળાશયોમાં ધીમીધારે વરસાદી પાણીની આવક થઈ રહી છે તેવી જ રીતે મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમની વાત કરીએ તો મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની કામગીરી આ વર્ષે કરવામાં આવી હતી અને 38 પૈકીના જુના 33 દરવાજાઓને એક સાથે બદલવામાં આવ્યા હતા અને આ દરવાજા બદલાવ્યા પછી ફાઈનલ ટેસ્ટિંગનું કામ ચાલુ હતું ત્યારે મેઘરાજાનું આગમન થઈ ગયું હતું જેથી મચ્છુ 2 ડેમની અંદર આવેલ પાણીને નદીમાં છોડી દેવું પડ્યું હતું અને ત્યારબાદ ફાઇનલ ટેસ્ટિંગ કરીને દરવાજા બંધ કરવામાં આવ્યા ત્યાર પછી મેઘરાજાએ ધીમીધારે મેઘ મહેર કરી હતી જેથી કરીને પાણીની આવક ધીમા પ્રમાણ માટે હતી
ગત ગુરુવારે રાતના 12:00 વાગ્યા સુધી મચ્છુ 2 ડેમની અંદર માત્ર 60% જેટલો જળ જથ્થો હતો જો કે, શુક્રવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો અને હવામાન ખાતાની જે પ્રકારની આગાહી કરી હતી તે પ્રકારે વરસાદ ધીમીધારે શરૂ થયો હતો મોરબી જિલ્લાના પાંચે પાંચ તાલુકામાં વરસાદ થયો હતો તેવી જ રીતે મચ્છુ 2 ડેમના કેચમેટ વિસ્તાર અને તેના ઉપર વાસની અંદર પડેલા વરસાદના કારણે મચ્છુ 2 ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી અને રવિવારે સવારે આ ડેમની અંદર 70% જેટલું પાણી ભરાઈ ગયું હતું અને આજે સોમવારે સવારના 8 વાગ્યે મોરબીનો મચ્છુ 2 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે જેથી કરીને મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 આમ કુલ 29 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને કોઈપણ વ્યક્તિને નદીના પટમાં ન જવા માટે થઈને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે
વધુમાં સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મચ્છુ 1 ડેમ ગઈકાલે બપોરના બારેક વાગ્યાથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને હાલમાં પણ ચાર ઇંચ થી મચ્છુ 1 ડેમ ઓવરફ્લો ચાલુ છે 1757 ક્યુસેક પાણીની જાવક ડેમમાંથી થઈ રહી છે આ ઉપરાંત મચ્છુ 2 ડેમના કેચમેટ વિસ્તારમાં પડેલા વરસાદના પાણીની આવક પણ હાલમાં ચાલી રહી છે અને હાલમાં મચ્છુ 2 ડેમમાં 5272 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે અને જો આવીને આવી પાણીની આવક ચાલુ રહી તો આજ રાત સુધીમાં મોરબીનો મચ્છુ 2 ડેમ 100% ભરાઈ જાય અને ઓવરફ્લો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને ડેમની નીચેના વિસ્તારમાં આવતા તમામ ગામના લોકોને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે
