વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
SHARE







વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વાંકાનેર તાલુકા પેન્શનર અને સિનીયર સીટીજન સમાજે વિરોધ નોંધાવી આ અંગે રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ અંગે વાંકાનેર તાલુકા પેન્શનર અને સીનીયર સીટીજન સમાજના હોદેદારોએ જણાવ્યું છે કે વાંકાનેર તાલુકા પેટા તિજોરીમાં બેંક ઓફ બરોડા બેંકની બે શાખાના 355, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની બે શાખાના 686 તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા તીથવાના 34 પેન્શનરો મળી 1075 પેન્શનરોનું વહીવટી કામ છે.
આ તમામ પેન્શનરો, સુપર પેન્શનરો (80 વર્ષ ઉપરના) તથા ફેમીલી પેન્શનરો (પેન્શનરનું અવસાન થતા કુટુંબના સભ્યો)ને કોઈપણ પ્રકારના નાના કામ માટે પણ 30 કી.મી. દુર જીલ્લા તિજોરી કચેરી મોરબી મુકામે જવું પડે તે ઉમરના સંદર્ભમાં મુશ્કેલ છે.બેંક, સરકારી કચેરીઓ, પીજીવીસીએલ વિગેરે કચેરીઓમાં એગ્રીમેન્ટ માટેની એધેસીવ સ્ટેમ્પ મેળવવાના રોજીંદા કામમાં પ્રજાજનોને જીલ્લા તિજોરી કચેરી મોરબી જવાનું ખુબજ કપરૂ બનશે. સરકારી કચેરીઓ જેવી કે નગરપાલિકા, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પાણી પુરવઠા, ખેતીવાડી કચેરી, સીવીલ હોસ્પિટલ, સીવીલ કોર્ટ વિગેરે જેવી વિવિધ સરકારી વિભાગોને વહીવટી બીલોની પ્રક્રિયા સરળમાંથી કઠીન બનશે.
પુખ્ત વિચારણાને અંતે સરકારે આ નિર્ણય કરેલ છે તે સમજી શકાય છે. પરંતુ સીનીયર સીટીઝન પ્રત્યેની સરકારની હકારાત્મક નીતિના પરિણામે આરોગ્ય ક્ષેત્રે મફત સારવાર સુવિધા, મુસાફરીમાં કન્સેશન, પવિત્ર ધાર્મિક યાત્રામાં વિશેષ સવલતો આપવાની માનવીય અભિગમની હકારાત્મક નીતિ અમલમાં મુકેલ છે ત્યારે તિજોરી કચેરી બંધ કરવાનો નિર્ણય સવિશેષ સીનીયર તથા સુપર સીનીયર સીટીઝનોને જ નકારાત્મક અસરકર્તા હોઈ આ બાબતે ફેર વિચારણા કરી આ કચેરીને ચાલુ રાખવા માંગણી કરી છે
