મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો
SHARE
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબીમાં આવતીકાલે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ જોધપર ગામ પાસે આવેલ પાંજરાપોળની જમીન ખાતે રાખવામાં આવ્યો હતો અને તેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેવાના છે જોકે તેમના આવવાના સમયમાં ફેરફાર થયો હોવાથી કાર્યક્રમના આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને બપોરે ત્રણ વાગ્યે મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળે આવશે જેથી વધુમાં વધુ લોકોએ કાર્યક્રમ, વૃક્ષારોપણમાં અને ભોજનમાં હાજર રહેવા માટે મોરબીના ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.
મોરબી નજીકના જોધપર ગામ પાસે પાંજરાપોળની 1200 વીઘા જેટલી જમીન આવેલી છે જ્યાં નમો વન નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે છેલ્લા ઘણા સમયથી ત્યાં વૃક્ષારોપણ ચાલી રહ્યું છે જોકે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે જુદી જુદી જગ્યા ઉપર કાર્યક્રમો યોજવાના છે તેના ભાગરૂપે મોરબીના જોધપર ગામ ખાતે પણ વૃક્ષારોપણના કાર્યક્રમનું પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વન વિભાગના અધિકારી અને કર્મચારીઓને સાથે રાખીને આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની વિવિધ સંસ્થાઓ અને એસો. પણ જોડાશે. અને પાંજરાપોળની આ 1200 વિધા જેટલી જમીન ઉપર 10 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવનાર છે અને આ વનનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવાનું છે. અને ત્યારે રાજ્યના વન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા પણ ત્યાં હાજર રહેવાના છે. જોકે આ કાર્યક્રમનો સમય પહેલા સવારનો નિશ્ચિત થયો હતો. પરંતુ અનિવાર્ય કારણોસર કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને તેની માહિતી આપતા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યે તમામ લોકોએ કાર્યક્રમ સ્થળ ઉપર આવવાનું છે અને 3 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ત્યાં આવશે અને ત્રણથી ચાર વાગ્યા સુધીમાં તેઓની હાજરીમાં એક કલાક કાર્યક્રમ યોજવાનો છે ત્યારબાદ સ્થળ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે અને ત્યાર પછી તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે.