મોરબી જલારામ મદિરે મહાપ્રસાદ યોજી જન્મદીવસની ઉજવણી કરતાં નરેન્દ્રભાઈ રાચ્છ
દિવાળી જેલમાં જ: મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ માસ્ટર માઈડ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી રદ્દ
SHARE
દિવાળી જેલમાં જ: મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ માસ્ટર માઈડ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી રદ્દ
મોરબી જીલ્લામાં જ નહીં ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલ મોરબીના વજેપર જમીન કૌભાંડમાં સીઆઇડીની ટીમે પકડેલા આરોપીઓ પૈકી એક મહિલા સહિત પાંચ આરોપી મોરબીની જેલમાં છે તેઓએ તેના વકીલ મારફતે ચાર્જશીટ પછી મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેની સામે જિલ્લાના સરકારી વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે ગુનાની ગંભીરતા અને અરજદારોની ભૂમિકાને ધ્યાને રાખીને પાંચેય અરજદાર/ આરોપીની રેગ્યુલર જામીન માટેની અરજીઓને રદ કરવાનો આદેશ કર્યો છે.
મોરબીના વજેપર 602 જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલ ચલાવી રહ્યા છે. અને આ ગુનામાં અત્યાર સુધીમાં બે મહિલા સહિત કુલ 6 આરોપીને પકડવામાં આવેલ છે અને તે પૈકીનાં શાંતાબેન મનજીભાઇ પરમારના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર કરવામાં આવેલ છે અને ત્યાર બાદ મોરબીની સબ જેલમાં રહેલા અરજદાર/આરોપી હેતલબેન ભોરણિયા, ભરત દેગામા, સાગર ફૂલતરિયા, સાગર સાવધાર અને અતુલ જોશી દ્વારા તેઓના વકીલ મારફતે ચાર્જશીટ પછી રેગ્યુલર જામીન માટેની મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જુદીજુદી અરજીઓ કરી હતી. અને ત્યાર બાદ અરજદાર/આરોપીઓના વકીલોએ કોર્ટમાં કરેલ દલીલની સામે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા તપાસ અધિકારીના સોગંદનામા રજૂ કરીને આરોપીઓની રેગ્યુલર જામીન માટેની અરજીઓનો વિરોધ કર્યો હતો.

મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઇ જાનીએ તેઓની દલીલમાં જણાવ્યુ હતું કે, વજેપર ગામે બેચરભાઈ ડુંગરભાઈના નામે સર્વે નં. 602 ની ખેતીની જમીન આવેલ છે. અને તેઓની બજાર કિંમત મુજબ 30 કરોડ રૂપિયાની કિંમતની જમીન હડપ કરવા માટે આરોપીઓ દ્વારા કાવતરું કરવામાં આવ્યું હતું. મૂળ જમીન માલીકની સરનેમ નકુમ છે. અને તેઓની જમીનમાં કોઈ વારસદારની એન્ટ્રી કરવામાં આવી ન હતી જેનો લાભ લઈને શાંતાબેન મનજીભાઈ પરમારને મૂળ માલિકની દીકરી તરીકે ફરિયાદીના માતા-પિતાના ખોટા મૃત્યુ પ્રમાણપત્રો તેમજ બોગસ વારસાઇ આંબાનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો અને ત્યાર બાદ શાંતાબેનનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું અને પછી ફરિયાદીની જમીનનો શાંતાબેન દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આરોપી સાગર અંબારામભાઈ ફુલતરિયાને કરી આપવામાં આવેલ હતો. આમ ફરિયાદીની જમીન ગેરકાયદે હડપ કરવાનો ગુનો કર્યો છે. અને આ ગુનામાં બધા અરજદારોએ સક્રિય ભૂમિકા ભજવી છે. તેવું જિલ્લાના સરકારી વકીલે તેની દલીલમાં કહ્યું હતું. અને વધુમાં કહ્યું હતું કે આ કૌભાંડ માટે બધા પૈસા અરજદાર/આરોપી સાગર ફુલતરિયા દ્વારા ખર્ચવામાં આવ્યા હતા અને માત્ર 48 કલાકમાં જ સમગ્ર રકમ પરત મળી ગઈ છે. આમ, આરોપી સાગર ફુલતરિયા પણ મિલકતનો શુદ્ધ બુધ્ધિથી જમીન ખરીદનાર નથી. તેવું કહ્યું હતું.
વધુમાં સરકારી વકીલે પોતાની દલીલમાં કહ્યું હતું કે, સહ-આરોપી એટલે કે ભરત દેગામાનું અપહરણ કરીને તેને અન્ય આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેથી તેને ઇજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યા ડૉ. સાગર ગમઢા દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી તેવી હક્કિત તપાસનીસ અધિકારીની તપાસમાં સામે આવેલ છે અને તેનો ચાર્જશીટમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. આટલું જ નહીં અરજદાર/આરોપીઓના મોબાઇલ નંબરના સીડીઆર તપાસના કામે ચેક કરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના એકબીજાના સતત સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. અને ઘણી વખત ફોન ઉપર વાત કરેલ છે. માટે જો અરજદારો/ આરોપીઓને નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે છે, તો તેઓ પુરાવાઓને અવરોધે છે અને તેમાં ચેડા કરે તેવી બધી શક્યતાઓ છે.
મોરબીની કોર્ટમાં બંને પક્ષેથી વકીલો દ્વારા કરવામાં આવેલ દલીલ, એફઆઈઆર અને પોલીસના પેપર્સ ઉપરથી કોર્ટે એવું તારણ કાઢ્યું હતું કે, સાગર અંબારામભાઈ ફુલતરિયાનું નામ ફરિયાદીમાં છે અને તે ગુનાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. અરજદાર/આરોપી ભરત દેગામાએ આ જમીન કૌભાંડ અંગે ફરિયાદીને જાણ કરી હોવાની શંકા આધારે સાગર ફુલતરિયા અને તેના સહ-આરોપીઓએ ભરતનું કારમાં અપહરણ કર્યું હતું અને ટંકારા ખાતેની એક ફેક્ટરીમાં લઈ જઈને ત્યાં તેને માર માર્યો હતો. જેથી તેને સારવારમાં પણ લઈ ગયા હતા. જયારે આરોપી અતુલ જોશી છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના પત્રકાર તરીકે કાર્યરત છે અને રાજકીય પ્રભાવ ધરાવે છે અને ફરિયાદીએ કરેલ અરજીઓમાં તેમજ આપેલા નિવેદનમાં અને સહ-આરોપી શાંતાબેન પરમાર દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવેલ સોગંદનામામાં તેના નામનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને આ કૌભાંડમાં સાગર ફુલતરિયા અને અતુલ જોશીની મુખ્ય રિંગલીડર જેવી ભૂમિકા હોવાનું તપાસનીસ અધિકારીની તપાસ અને સરકારી વકીલનો દલીલ ઉપરથી જણાઈ રહ્યું છે
આગાઉ આ ગુનામાં પકડાયેલા શાંતાબેન પરમારને હાઇકોર્ટમાંથી જામીન મુક્ત કરવામાં આવેલ છે જેથી સમાનતાના આધારે અરજદારોને જામીન આપવા તેઓના વકીલોએ દલીલ કરી હતી જો કે, સહ-આરોપી શાંતાબેનની તુલનામાં અરજદાર/ આરોપીઓની મુખ્ય ભૂમિકા હતી જેથી કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, સમાનતાએ કાયદો નથી. સમાનતાના સિદ્ધાંતને લાગુ કરતી વખતે કોર્ટે જે આરોપીની અરજી વિચારણા હેઠળ છે તેની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. અરજદાર/ આરોપી સાગર ફુલતરિયા અને અતુલ જોશીનો ભૂતકાળ ગુનાહિત છે. અને અન્ય અરજદાર/ આરોપીઓની ભૂમિકા કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી હતી. આમ, ચાર્જશીટ અને અન્ય પોલીસ કાગળોની હકીકતોને ધ્યાને લઈને મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ દ્વારા જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલને ધ્યાને લઈને ગુનાની ગંભીરતા અને અરજદારોની ભૂમિકાને ધ્યાનમાં રાખીને પાંચેય અરજદાર/ આરોપીની જામીન અરજીઓને રદ કરવાનો આદેશ કર્યો છે.