મોરબીમાં શનિવારથી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સાપ્તાહિક મહોત્સવનું આયોજન: મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા
SHARE
મોરબીમાં શનિવારથી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સાપ્તાહિક મહોત્સવનું આયોજન: મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા
અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતી નિમિત્તે મોરબીના રવાપુર-ઘુનડા રોડ પર એક અનોખા અને ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું કેન્દ્રબિંદુ “જોવા જેવી દુનિયા” છે. આ મહોત્સવનો શુભારંભ 1 નવેમ્બરના રોજ સાંજે 05:30 વાગ્યે થશે, અને ત્યાર બાદ 1 થી 7 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે 04:30 થી રાત્રે 11 વાગ્યા સુધી આ અનોખી દુનિયા નાના-મોટા સૌ માટે ખુલ્લી રહેશે.
“જોવા જેવી દુનિયા”માં 32 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલા સંકુલમાં આધુનિક મલ્ટીમીડિયા ટેક્નોલોજીથી સજ્જ “ચિલ્ડ્રન પાર્ક” અને “થીમ પાર્ક” નો સમાવેશ થાય છે, જે જીવનના ગૂઢ પ્રશ્નોના ઉકેલ પ્રદાન કરશે. તેમજ વાલીઓ માટે બાળકોનું માનસ સમજીને કેળવણી કેવી રીતે કરવી તે માટે પેરન્ટસ કી પાઠશાલા દ્વારા સમજણ અપાશે. આ ઉપરાંત લકી-ડ્રો, ટેલેન્ટ શો સાથે જ્ઞાન પીરસતું એમ્ફીથીયેટર, સ્વાદિષ્ટ વાનગીઓનું ફૂડ કોર્ટ, ટેકનોલોજી અને જ્ઞાનના સમય કરતી વેબ દુનિયા, બાળ વિજ્ઞાન, અને પુસ્તક સ્ટોર્સ પણ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે.
1 થી 7 નવેમ્બર સુધી સાંજે 4:30 થી રાત્રે 11:00 વાગ્યા સુધી જોવા જેવી દુનિયામાં ગમ્મત સાથે જ્ઞાન પીરસતા થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કનો લાભ મળશે. તેમજ 2,3 અને 5 નવેમ્બરે સવારે 10 થી 12:30 અને 2,3 નવેમ્બરે રાત્રે 08:30 થી 11 સંસારિક કે વ્યવહારિક પ્રશ્નોના સમાધાન માટે દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગનું આયોજન કરાયું છે. 4 નવેમ્બર સવારે 08:00 થી 09:20 અને ત્યારબાદ દિવસ દરમિયાન દાદા ભગવાનના 118મા જન્મદિવસની ઉજવણી નિમિતે પૂજન, આરતી અને પૂજ્ય દીપકભાઈના દૃષ્ટિદર્શનનું આયોજન તેમજ 5 નવેમ્બરે રાત્રે 07:30 થી 11:00 જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજાશે.
આ મહોત્સવમાં દેશ-વિદેશથી અંદાજે 20,000 થી વધુ અનુયાયીઓ તેમજ મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લે તેવી ધારણા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી શકે છે. ઉલ્લેખનીય છે કે આ આખો કાર્યક્રમ નિ:શુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ/સંપ્રદાયના લોકો લઈ શકશે. મોરબીવાસીઓને ઘરઆંગણે આ અદભૂત વિજ્ઞાન જાણવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે ત્યારે પધારવા આમંત્રણ પાઠવાયું છે. મુલાકાતીઓ jj.dadabhagwan.org વેબસાઇટ પરથી વધુ વિગતો મેળવી શકે છે.