મોરબીમાં મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ યોજાઇ
મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 41 નવદંપતિ લગ્નગ્રંથીએ જોડાયા
SHARE
મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 41 નવદંપતિ લગ્નગ્રંથીએ જોડાયા
મોરબી શહેરમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ ખોખરાધામ મંદિર ખાતે યોજાયા હતા. જેમાં 41 નવદંપતિ લગ્નગ્રંથીએ જોડાયા હતા અને સંતો મહંતો, રાજકીય અને સામાજીક આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં ગોંડલ પુનીમાં આશ્રમ જયશ્રીકાનંદ ગીરી, શિવ પુરાણ પ્રવક્તા દમયંતીબેન જાની, પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણદાસ, મુકેશ ભગત, નાથાભાઈ તથા અનુબેન સેવક સહિતના સાધુ-સંતો અને સેવકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પીઆઇ લઘધીરકા મેડમ, મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, રામભાઈ મહેતા સહિતના સમાજના અગ્રણીઓએ હાજર રહ્યા હતા.
આ તકે ખાસ કરીને ખોખરા હરીહરધામના મહા મંડલેશ્વર કન્કેશ્વરી દેવીજી તથા રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજી દ્વારા તમામ દીકરીઓને શુભેચ્છા સંદેશ પાઠવી આશીર્વચન આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્નોત્સવ દરમિયાન તમામ 41 દીકરીઓને દાતાઓના સહયોગથી સોના-ચાંદી સહિત 100થી વધુ ઘર ઉપયોગી અને આવશ્યક આઈટમો ભેટરૂપે આપવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સફળ આયોજન બદલ દાતાઓ તથા સહયોગ આપનાર તમામ મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં વર્ષ દરમિયાન તહેવારો તથા વિવિધ પ્રસંગોએ વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. માત્ર 5 દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નથી શરૂ થયેલી આ સેવાની પરંપરા આજે 41 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં કુલ 78 દીકરીઓના સમૂહ લગ્ન અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા કરાવવામાં આવ્યા છે. ખાસ કરીને આ સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની તેમજ પછાત અને જરૂરિયાતમંદ પરિવારોમાંથી આવતી દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય બની રહ્યું છે.









