મોરબી-માળીયા (મી) સમસ્ત મચ્છુ કાંઠા ભરવાડ સમાજ દ્વારા કુરિવાજો-દૂષણોને ડામવા માટે બનાવવામાં આવ્યું લાકડા જેવુ બંધારણ
SHARE
મોરબી-માળીયા (મી) સમસ્ત મચ્છુ કાંઠા ભરવાડ સમાજ દ્વારા કુરિવાજો-દૂષણોને ડામવા માટે બનાવવામાં આવ્યું લાકડા જેવુ બંધારણ
મોરબી માળીયા સમસ્ત મચ્છુ કાંઠા (મજો કાંઠા) ભરવાડ સમાજની બેઠક મળી હતી જેમાં સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને સમાજમાં વધી રહેલા કુરિવાજો અને દૂષણોને ડામવા માટે તોતિંગ દંડ નક્કી કરવામાં આવેલ છે અને જો બંધારણના નિયમને તોડનાર વ્યક્તિ દ્વારા દંડ ભરવામાં નહીં આવે તો તેને નાત બહાર મૂકીને તેની સાથે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં આટલું જ નહીં બંધારણના નિયમને તોડનારની માહિતી આપનારા સમાજના વ્યક્તિનું સન્માન કરીને તેને રોકડ ઈનામ પણ આપવામાં આવશે. તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
મોરબી માળીયા ભરવાડ સમાજ તાજેતરમાં મચ્છુ માં ની જગ્યામાં મહેન્દ્રપરા ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરવાડ સમાજમાં ચાલી રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અને સમાજમાં સાદગી, એકતા અને આર્થિક બચત લાવવા માટે નિયમો બનાવીને બંધારણ સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યા છે. જેમાં દિકરા-દિકરીનો કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ થયા પછી જ સગપણ કરવાનો આગ્રહ રાખવો અને જ્યાં સુધી ભણતર પૂરું ન થાય ત્યાં સુધી લગ્ન કરવાનો આગ્રહ રાખવો નહીં, લગ્ન ફરજીયાત સમૂહલગ્ન, નેસડા વિવાહ અથવા કુટુંબ વિવાહમાં એક વરસમાં એક દિવસે કરવાનો આગ્રહ રાખવો, દિકરીના પક્ષ દ્વારા વધુમાં વધુ ૬ તોલા સોનું જ લઇ શકાશે અને સામ સામે સગપણ કરેલ હશે ત્યારે વધુમાં વધુ ૪ તોલા સોનું જ લઈ શકશે, ભાયું ભાગ્યામાં દિકરી આપે ત્યારે વધુમાં વધુ ૬ તોલા સોનું લઈ શકાશે, લગ્નની છાબમાં વધુમાં વધુ દિકરા પક્ષે રૂપિયા ૨૧,૦૦૦ જ આપવાના રહેશે, જમાઈ કરવા જવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે, દિકરી કે વહુનું આણું પાથરવાની પ્રથા બંધ રહેશે., શ્રીમંતમાં વધુમાં વધુ ૧ તોલા સોનું જ આપી શકશે અને વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ એજ પ્રસંગમાં જવું, લાડવા લઇ જવામાં ભાણેજ તથા ભાણીના ૫ જોડી કપડા લઇ જવા, મામેરા પ્રસંગે ૧ થી ૩ તોલા સોનું જ આપી શકાશે. મામેરામાં વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ જ જઈ શકશે અને એક જ વ્યક્તિને વેવાર કરવાનો રહેશે. મામેરામાં વધુમાં વધુ રૂપિયા ૫૧,૦૦૦ બેડે બાંધવા (બેઠું મામેરું ભરવું) રહેશે.
આ ઉપરાંત ગોળ ખાવાનું તથા ચૂંદડી ઓઢાડવાની વિધિ માંડવે રાખવી અથવા લગ્ન લખતી વખતે જ કરવાની રહેશે. જો કોઈ ઘરમાં બીજો પ્રસંગ હોઈ તો તેની સાથે કરી શકો છો. અલગથી ખર્ચાળ આયોજન કરવું નહીં., લગ્ન લઇને એક બ્રાહ્મણ અથવા લગનીયા વધુમાં વધુ ૫ પુખ્ત વ્યકિતએ જવું, પ્રિ વેડિંગ, હલ્દી રસમ, મહેંદી રસમ, રીસેપ્સન, પગલા પાડવા જેવા સોશિયલ મીડિયા આકર્ષિત પ્રસંગોથી દુર રહેવું, લગ્ન પ્રસંગે કલાકાર પાર્ટી, દાંડિયા-રાસ તથા અન્ય ખર્ચાળ મનોરંજન કાર્યક્રમો સંપૂર્ણપણે બંધ રહેશે, બેન્ડ બાજા, સાદુ ડી.જે. તથા ઢોલ શરણાઈ રાખી શકાશે, લગ્ન પ્રસંગે ફટાકડા, વરરાજાની એન્ટ્રી, રૂપિયાની ધોર કરવી જેવા કાર્યક્રમ સદંતર બંધ રાખવા, મચ્છુ કાંઠા પરગણામાં કોઈ સવેલું લઇ જાય તો એનો દાવો ૨૧,૦૦,૦૦૦ અને જો કોઈ બીજા પરગણામાં સવેલું લઇ જાય તો ૩૧,૦૦,૦૦૦ નો દાવો લેવામાં આવશે.
આવી જ રીતે મરણ સમયે માત્ર બે જ વખત જવાનું અને વાસણ પ્રથા સંપૂર્ણ બંધ રહેશે, ગોયણીમાં ૫૧૦૦ થી ૫૧૦૦૦ રૂપિયા જ મુકવા, કોઈ જમાઈના મૃત્યુ બાદ દિકરી કે દિકરાની ઈચ્છા સિવાય દેરવટુ કરવું નહિ. ત્યાં જો સામસામું હોઈ તો દિકરીનું ઘરભંગ કરવું નહિ આવું બંધારણ નક્કી કર્યું છે અને આ બંધારણમાં ભવિષ્યમાં સુધારા વધારા કરવા માટે દરેક મચ્છુ કાંઠાના ગામો તાલુકા અને શહેરના સુધારા સમિતિના સભ્યો દ્વારા સલાહ અને સમજુતી લઇ યોગ્ય નિર્ણય કરવામાં આવશે. વધુમાં અફીણ, ઠાલીયા, દારૂ, ડ્રગ્સ, સિગારેટ, બીડી, માવા તથા તમામ પ્રકારના વ્યસનો સંપૂર્ણ રીતે બંધ રાખવા, ડાયરાની થારીમાં મુખવાસ સિવાય અન્ય કોઈ વસ્તુ મુકવી નહિ તેવું નક્કી કરવામાં આવ્યું છે અને આ બંધારણમાં જે નિયમો નક્કી કર્યા છે તેનો ભંગ કરનારને ૫,૦૦,૦૦૦ નો દંડ થશે અને દંડ નહિ ભરનારને નાતમાંથી બહાર મુકવામાં આવશે અને નાત બહાર મુકેલા વ્યક્તિ સાથે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં. અને ૨,૫૦,૦૦૦ નો દંડ કરવામાં આવશે. આટલું જ નહીં નિયમનો ભંગ કરનાર વ્યક્તિ વિષે સમાજનું ધ્યાન દોરશે તે સમાજના વ્યક્તિનું સન્માન કરવામાં આવશે અને ૨૧૦૦૦ નું ઈનામ પણ આપવામાં આવશે. અને જે દંડની રકમ આવશે તેને મોરબી જીલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિમાં જમા કરવાની રહેશે. અને આ બેઠકમાં નક્કી કરાયેલ નિયમો દ્વારકાધીશ તથા મચ્છુ માતાજીની સાક્ષીએ સમાજ દ્વારા સર્વાનુમતે સ્વીકારવામાં આવેલ છે. અને તેની અમલવારી પણ તા ૨૦/૧/૨૦૨૬ થી શરૂ કરી દેવામાં આવેલ છે. તેવું આગેવાન પાસેથી જાણવા મળેલ છે.









