મોરબીના શક્તિ ચેમ્બર પાસે રોડ ક્રોસ કરતા આધેડને ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
SHARE
મોરબીના શક્તિ ચેમ્બર પાસે રોડ ક્રોસ કરતા આધેડને ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પગપાળા રોડક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ જામનગરના આધેડનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બર નજીક પગપાળા રોડ ક્રોસ કરી રહેલા મહેશભાઈ બેસુરભાઈ બાલચીયા (રહે નાના શેરડીયા તા.ધ્રોલ જી.જામનગર) નામના ૫૮ વર્ષના આધેડને તા.૨૦-૧ ના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધા હતા.જેના પગલે ઘટના સ્થળે જ મહેશભાઈનું મોત થયુ હતું અને તેમના ડેડબોડીને અત્રે સિવિલે પીએમ માટે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં સામે આવ્યું હતું કે, મૃતક મહેશભાઈ જામનગરના ધ્રોલ પાસેના નાના શેરડીયા ગામના વતની છે અને તેઓ ડ્રાઇવિંગનું કામકાજ કરતા હોય અન્ય ડ્રાઇવરને છોડાવવા માટે તે આવ્યા હતા.વાહન લોડ થતું હતું ત્યારે કામ સબબ ગયા હતા અને બાદમાં ટ્રક બાજુ જવા માટે રોડ ક્રોસ કરતા હતા.ત્યારે તેમને અજાણ્યા ટ્રકના ચાલકે હેડફેટે લીધા હતા.આ બનાવમાં તેમનું મોત નિપજેલ હોય હાલ ફરિયાદ લેવાની આગળની તજવીજ ચાલુ છે.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી નજીક મારામારીના બનાવમાં ઈજા થવાથી રેખાબેન ભુપેન્દ્રભાઈ રઘુવંશી (૪૦) રહે. કુબેરનગર નવલખી રોડને ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે સિમેન્ટના રોડ ઉપર બાઈક સ્લીપ થવાના બનાવમાં પગના ભાગે ઇજાગ્રસ્ત થયેલા દીક્ષિતભાઈ કાંતિભાઈ સાણજા રહે.જેપુરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા જશુબેન પેથાભાઇ પીપળીયા નામના ૫૭ વર્ષના મહિલા બાઇક ઉપર બેસીને જતા હતા ત્યારે ઝીંઝુડા અને સોલંકીનગર વચ્ચે તેઓનું વાહન સ્લીપ થતાં ઇજા પામ્યા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
સગર્ભા મહિલા સારવારમાં
મોરબીના અમરાપર (નાગલપર) ગામે રહેતા વર્ષાબેન રોમિકભાઈ કાંતિભાઈ રૂદાતલા નામના ૨૩ વર્ષીય મહિલાને ઘરે ઉલ્ટી થતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને અહીં તેઓની સારવાર ચાલુ કરવામાં આવી હતી.વધુમાં સામે આવ્યું હતું કે વર્ષાબેનનો લગ્ન ગાળો ૧૧ માસનો છે અને તેઓ હાલ સગર્ભા છે. વર્ષાબેને કોઈ કારણોસર દવા પીધી હોય અને હાલ બનાવની ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.મિશ્રા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
મજૂર યુવાન સારવારમા
મોરબીના ભરતનગર પાસે આવેલ લેકમાં પેનલ ઇન્ડસ્ટ્રીઝ એલએલપી નામના કારખાનામાં યુનિટમાં કામ દરમિયાન મશીનમાં હાથ આવી જતા સંજુ માવજીભાઈ ભુરીયા નામના ૨૪ વર્ષના મજૂરને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના માનસર ગામે રમેશભાઈની વાડીએ રહેતા અશોકભાઈ ભુરાભાઈ મેડા નામનો બે વર્ષનો બાળક કોઈ કારણોસર દાઝી ગયો હોય તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.
મહિલા સારવારમાં
મોરબીના ઊંચી માંડલ-તળાવીયા શના ળા રોડ ઉપર લેવીસ ગ્રેનાઇટોની સામે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા માયાબેન રૂપનારાયણ મિશ્રા નામના ૩૫ વર્ષના મહિલાને છોટા હાથીના ચાલકે હડફેટે લેતા ડાબા ખભાના ભાગ ઇજા પામેલા માયાબેનને અહીંની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા









