મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉમંગભેર ટંકારાના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર ઉજવણી કરાઈ
SHARE
મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉમંગભેર ટંકારાના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર ઉજવણી કરાઈ
77 માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ટંકારામાં આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ખુલ્લા આકાશમાં તિરંગાને લહેરાવ્યો હતો ત્યાર બાદ ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ તકો લોકને સંબોધતા કલેક્ટર કે.બી. ઝવેરીએ આજના રાષ્ટ્રીય મહાપર્વ નિમિત્તે સરહદ પર શહીદ થયેલા વીર જવાનો તથા સેનાના યુવાનોને સત સત નમન કર્યા હતા અને આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર લડવૈયાઓને યાદ કર્યા હતા અને તેમને વંદન કરીને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2047 ના વિકસિત ભારતને કેન્દ્ર સ્થાને રાખીને જે રીતે દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તેની સાથે તાલમિલાવીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ વિકાસ કામોને વેગ આપી રહ્યા છે આટલું જ નહીં બે દિવસ પહેલા જ મોરબી જિલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે 1042 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કરવામાં આવ્યું છે.
ખાસ કરીને આગામી દિવસોમાં મોરબી જિલ્લાની નવી મેડિકલ કોલેજ, નવી કોર્ટ, નવા ઓવરબ્રિજ સહિતની અનેકવિધ સુવિધાઓ મળવાની છે તે અંગેની માહિતી પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. આટલું નહીં પરંતુ હાઇવે સહિતના માર્ગો ઉપર રોંગ સાઈડમાં આવતા ભારે વાહનોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે જેથી રોંગ સાઈડમાં ભારે વાહનો લઈને વાહન ચાલકોને ન આવવા માટે કલેક્ટરે આ તકે અપીલ કરી હતી. આ પ્રસંગે ટંકારા તાલુકાના વિકાસ માટે મહાનુભાવોના હસ્તે ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ, માર્ચ પાસ્ટ અને આકર્ષક ડોગ-શો રજૂ કરવામાં આવ્યો હતો.
ગુજરાતની અસ્મિતાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે, ઓપરેશન સિંદૂર, ભારત કી શેરનીયાં, સંવિધાન સે સ્વાભિમાન તક, યોગ, અખંડ ભારત અને ગરબો તથા ભારતના વીર જવાનોની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમોની પ્રસ્તુતિએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યાર બાદ મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને અંતમાં મોરબી જિલ્લાની જુદી જુદી શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે ટંકારાના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા, મોરબીના ડીડીઓ નવલદાન ગઢવી, મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ટંકારા તેમજ જિલ્લાના નગરજનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા









