મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન
મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન
SHARE
મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન
મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સતત સમર્પિત સેવા અને ઉત્તમ કામગીરી બદલ ડૉ. અમિત ઘેલાણીને “મોરબી જિલ્લાના શ્રેષ્ઠ RBSK ડૉક્ટર” તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમના માનવતાભર્યા અભિગમ, નિષ્ઠાવાન કામગીરી અને બાળકોના આરોગ્ય માટેની અવિરત સેવાનું પ્રતિબિંબ છે.
ઉલેખનીય છે કે, ડૉ. અમિત ઘેલાણી તથા ડૉ.શિતલ જાની દ્વારા આંગણવાડી, શાળાઓ અને વિવિધ વિસ્તારોમાં બાળ સ્વાસ્થ્ય તપાસ દરમિયાન ગંભીર અને વિશેષ સારવારની જરૂરિયાત ધરાવતા બાળકોને સમયસર ઓળખી, યોગ્ય માર્ગદર્શન, રેફરલ તથા સારવાર માટે અસરકારક રીતે કામગીરી કરવામાં આવી છે. તેમના કાર્યથી અનેક બાળકોને યોગ્ય સમયે નિદાન અને સારવાર મળતા જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.
અત્યારસુધીની તેમની નોંધપાત્ર કામગીરી ઉપર નજર કરીએ તો હૃદય સંબંધિત સમસ્યાના ૮૯ બાળકો, મગજ અને કરોડરજ્જુ સંબંધિત સમસ્યાના ૪ બાળકો, પગ અને પગના તળિયા સંબંધિત સમસ્યાના ૩૯, ડાઉન સિન્ડ્રોમના ૬, જન્મજાત બહેરાશના ૧૩, મોઢા/ જીભ/ હોઠ/ તાળવું (લિપ-પેલેટ) સંબંધિત વિકૃતિના ૧૪, કુપોષણના ૧૨, કિડની સંબંધી સમસ્યાના ૧૩, થેલેસેમિયા મેજરના ૮, કેન્સરના ૪ અને અન્ય ૨૩ તદુપરાંત ચાલુ વર્ષે આમાંથી 25 થી વધારે જન્મજાત ખામીવાળા બાળકોને ઓળખી તેની સારવાર ચાલુ કરાવેલ છે.
ડૉ. અમિત ઘેલાણી તથા ડૉ.શિતલ જાનીની આ સેવાઓ માત્ર આરોગ્ય તપાસ સુધી સીમિત નથી રહી, પરંતુ બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે તેમણે સમયસર માર્ગદર્શન, ફોલો-અપ અને પરિવારોને જરૂરી સહાય પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ ડૉ. અમિત ઘેલાણી તથા ડૉ.શિતલ જાનીનું મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ, શાળા પરિવાર તથા સમગ્ર સમાજ તરફથી હાર્દિક અભિનંદન વ્યક્ત કરવામાં આવે છે. તેમની સેવાભાવના અને સમર્પણ અન્ય આરોગ્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ સ્થાપિત થયું છે.