મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ
સૌરાષ્ટ્ર કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે સ્પેશલ પેકેજ અને ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર આપવામાં ન આવે તો ગુજરાતમાં થશે ખેડૂત આંદોલન: રણદીપ સુરજેવાલા
SHARE
સૌરાષ્ટ્ર કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે સ્પેશલ પેકેજ અને ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર આપવામાં ન આવે તો ગુજરાતમાં થશે ખેડૂત આંદોલન: રણદીપ સુરજેવાલા

મોરબીના સનાળા રાજપર રોડ ઉપર કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા સહિત અનેક કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને સભાના મંચ ઉપરથી સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલુ વર્ષે અપુરતો વરસાદ થયો હોવાથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, કપાસ મગફળી જીરા સહિતના પાકોમાં જે નુકસાન થયું છે તેના માટે સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ રણદીપ સુરજેવાલા દ્વારા કરવામાં આવી હતી તેની સાથોસાથ ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વીજ વાયર જે ખેડૂતોના ખેતરોમાં આવે છે તેની સામે ખેડૂતોને પૂરતી વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી અને જો કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ માંગણીઓને ધ્યાને લઈને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા રણનીતિ નક્કી કરીને આંદોલનના મંડાણ કરાશે તેવી સરકારને ખુલ્લી ચેતવણી આપવામાં આવેલ છે

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો ખાનગી વીજ કંપનીના પોલ અને વાયરના કોરિડોર સામે પૂરતું વળતર મેળવવા માટે આંદોલન કરી રહ્યા છે તેમ છતાં પણ તેઓની વાતને ધ્યાને લઈને સરકાર દ્વારા ખાનગી કંપની પાસેથી ખેડૂતોને પૂરતું વળતર મળે તેના માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી અને આ ઉપરાંત અનેક પ્રશ્નોથી ખેડૂતો ઘેરાયેલા છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને વાંચ આપવા માટે મોરબીના સનાળા રાજપર રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી તેમજ શક્તિસિંહ ગોહિલ, પરેશભાઈ ધાનાણી, સિદ્ધાર્થભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સાંસદ ગેનીબેન ઠાકોર, લલિતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા, ભચુભાઈ પટેલ, મહમદજાવેદ પીરજાદા, વિક્રમ માડમ, વિમલભાઈ ચુડાસમા, જગદીશભાઈ મકવાણા સહિતના અનેક કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને વર્તમાન સરકાર દ્વારા ખેડૂતોથી લઈને આમ નાગરિક સુધીના લોકો સાથે કઈ રીતે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને કઈ રીતે તેઓનું શોષણ કરવામાં આવે છે તે વાતને લઈને વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

આ તકે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, જો દુકાનની અંદર વેચાતી વસ્તુનો ભાવ વેપારી નક્કી કરે, કારખાનામાં બનતા માલનો ભાવ કારખાનેદાર નક્કી કરે તો ખેડૂતની જમીનનો ભાવ ખેડૂતની બદલે સરકાર કેમ નક્કી કરે છે તે પ્રશ્ન છે અને વર્તમાન સરકાર ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે અહંકારી રાવણ કે કંસનું પણ રાજ સલામત ન હતું તો આ લોકોનું રાજ કેવી રીતે સલામત રહેશે હાલમાં ખેડૂતોના ખેતરમાં બળજબરીથી થાંભલા નાખનાર ગાંધીનગરમાં બેઠેલ સરકારને ખેડૂતો આગામી ચુંટણીમાં ઉખેડીને ફેંકી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી કહ્યું હતું કે તેઓએ સરકાર સમક્ષ ખેડૂતો માટે જુદી જુદી પાંચ માંગણીઓ મૂકી છે પરંતુ સરકાર દ્વારા પાંચ પૈકીની એક પણ માંગણીને પૂરી કરવામાં આવી નથી જે સાબિત કરે છે કે સરકાર ખેડૂતોના હિત માટે નિર્ણય કરવા માંગતી નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસે ક્યારેય પણ નફા કે નુકસાનની ચિંતા કર્યા વગર હર હંમેશ ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ખેડૂત માટે લડાઈ કરે છે અને ભૂતકાળમાં જ્યારે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈ ત્યાં કહેવા ગયું ન હતું અને ગુજરાતમાં આંદોલન પણ થયું ન હતું તો પણ ત્યારની કોંગ્રેસની સરકાર દ્વારા ગ્ફુજરાતના ખેડૂતોનું 71 હજાર કરોડનું દેવું માફ કરવામાં આવ્યું હતું. જોકે આજની તારીખે ખેડૂતો આંદોલન કરે તેમ છતાં પણ રાજ્યની કે કેન્દ્રની સરકાર ખેડૂતોને સાંભળતી નથી આ હકીકત છે આટલું જ નહીં પરંતુ ખેડૂતોના ખેતરની અંદર જ્યારે થાંભલા નાખવા માટે જાય છે ત્યારે પોલીસ દ્વારા ખેડૂતોને ઢસડીને લઈ જાય છે અને ત્યાર બાદ જબરજસ્તીથી ખેતરમાં થાંભલા નાખવામાં આવે છે આ અન્યાય સામે લડવાનો હવે સમય પાકી ગયો છે

અંતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ સભાને સંબોધતા કહ્યું હતું કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની 2022 માં વાત કરી હતી પરંતુ સરકારના આંકડા કહે છે કે આજની તારીખે દેશનો ખેડૂત એક દિવસમાં માત્ર 27 રૂપિયા કમાય છે અને તેની માથે બહુ મોટા પ્રમાણમાં દેણું છે એટલે ખેડૂતોના દુશ્મન બીજા કોઈ નહીં પરંતુ જેને તમે વોટ આપીને અમદાવાદ અને દિલ્હી ખાતે સરકારમાં બેસાડ્યા છે તે જ ખેડૂતોના સૌથી મોટા દુશ્મન છે જેથી ખેડૂતોની મા સમાન જમીન ઉપર ભાજપના ઇશારે જે થાંભલા લખાઈ રહ્યા છે તે થાંભલા ઉખાડવાની સાથો સાથ હવે સરકારને પણ ઉખેડી નાખવા માટેનું કામ ખેડૂતોએ કરવાનું છે

વધુમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતો કે કોંગ્રેસ વિકાસ કામના વિરોધી નથી પરંતુ ખેડૂતોની જમીનનો ઉપયોગ થાય છે અને તેની જમીનની કિંમત ઘટી જાય છે તેની સામે તેને પૂરતું વળતર મળવું જોઈએ આટલું જ નહીં પરંતુ 25 વર્ષ સુધી ખાનગી વીજ કંપની નફો કરવાની છે જેથી ખેડૂતોને કંપનીના નફામાં ભાગીદારી અને દર વર્ષે 25 વર્ષ સુધી 25 થી 30 હજાર રૂપિયા પણ આપવામાં આવે તેવી માંગ કરી છે. સાથોસાથ ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો હોવાના કારણે મગફળી, કપાસ, જીરું સહિતના પાકોમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી ખેડૂતો માટે સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેમજ ઓછો વરસાદ પડ્યો હોવાના કારણે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે

જો ખેડૂત આક્રોશ મહાસભાના મંચ ઉપરથી ખેડૂતોના હિત માટે કોંગ્રેસનાં આગેવાનો દ્વારા કરવામાં આવેલી માંગને ધ્યાને લઈને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી મંચ ઉપરથી આપવામાં આવી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નયનભાઈ અઘારા તેમજ તેઓની ટીમ તથા મનોજભાઈ પનારા, લલિતભાઈ કગથરા, મહંમદજાવેદ પીરજાદા સહિતના અનેક કોંગ્રેસના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી