સરકારે પ્રત્યુતર ન આપતા કર્યો ખેડૂતોએ હુંકાર: મોરબીના જેતપર ગામે 10 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે કિસાન અધિકાર મહાપંચાયત
SHARE
મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોની સત્યાગ્રહ છાવણી ખાતે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી 10 જાન્યુઆરી 2027 ના રોજ જેતપર ખાતે કિસાન અધિકાર મહાપંચાયત યોજવા માટેનું એલાન કરવામાં આવ્યું છે અને તેમાં લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને ઉમટી પડવા માટે આંદોલનકારિઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે
મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા છ મહિનાથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર અને પહેલા વળતર મેળવવા માટેની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા દિવસોમાં આવેદનપત્ર, રેલી, ઉપવાસ આંદોલન, આમરણાંત ઉપવાસ વગેરે અનેક કાર્યક્રમો આંદોલનકારીઓ દ્વારા આપવામાં આવ્યા છે આ ઉપરાંત સરકાર સુધી પોતાની માંગણીઓ પણ પહોંચાડવામાં આવી છે તેમ છતાં પણ સરકાર તરફથી કોઈ પ્રત્યુતર આવ્યો નથી જેથી હજુ પણ ખેડૂતોનું આંદોલન જેતપર ગામે ચાલી રહ્યું છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોનું આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે
જેતપર ગામના આંદોલનકારી પ્રતિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગત 16 તારીખના રોજ જેતપર સત્યાગ્રહ છાવણી ખાતેથી ખેડૂત આગેવાનો તેમજ અન્ય જિલ્લાના ખેડૂત આગેવાનો પાટીદાર સમાજની સીદસર સંસ્થાના અગ્રણીને સાથે રાખીને સરકાર સાથે વાટાઘાટ કરવા માટે ગયા હતા અને ત્યાં ખેડૂતો દ્વારા 24 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાંથી એક પણ માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હોય તે પ્રકારની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી
અગાઉ સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કહ્યું હતું કે દિવાળી પછી મોરબી જિલ્લામાં ખેડૂત મહાપંચાયત બોલવામાં આવશે તેને જ લઈને આજે જેતપર ગામે સત્યાગ્રહ છાવણી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં નેહુલભાઈ અમૃતિયાએ જાહેરાત કરી હતી કે, આગામી તારીખ 10 જાન્યુઆરી 2027 ના રોજ જેતપર ગામે કિસાન અધિકાર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કિસાન મહાપંચાયતમાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને ઉલટી પડવા માટે થઈને સત્યાગ્રહ છાવણી ખાતેથી આંદોલનકારીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે
તો નિકેતભાઈ પંચાસરાએ જણાવ્યું હતું કે 10 જાન્યુઆરીના રોજ બપોરે 2:00 કલાકે કિસાન અધિકાર મહાપંચાયતનો કાર્યક્રમ જેતપર ગામે યોજાશે અને તેના માટે જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યાએ વાહન પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવશે અને સભા સ્થળ આખે આખુ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે આમ બહારગામથી આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય અને ટ્રાફિક સહિતના કોઈ પ્રશ્ન ન ઉભા થાય તેની તમામ તકેદારી રાખીને આયોજન કરવામાં આવ્યું છે









