મોરબીના ઘૂંટુ નજીક પુત્રના લગ્નની કંકોત્રી આપીને ઘરે પરત ફરી રહેલ મહિલાનું વાહન અકસ્માતમાં મોત
SHARE









મોરબીના ઘૂંટુ નજીક પુત્રના લગ્નની કંકોત્રી આપીને ઘરે પરત ફરી રહેલ મહિલાનું વાહન અકસ્માતમાં મોત
મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે આવેલ ઉમા રેસીડેન્સી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ભરવાડ દંપતિ પોતાના પુત્રના લગ્નની કંકોત્રી દેવા માટે હળવદ ગયેલ અને ત્યાંથી તેઓ પરત તેમના ગામ પીપળી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઘુંટુ ગામ નજીક તેઓના બાઇકને અકસ્માત નડતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જોકે ત્યાં ટૂંકી સારવાર દરમિયાન ભરવાડ વૃદ્ધાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતના ઉપરોક્ત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલા જૂની પીપળી ગામના રહેવાસી નારણભાઈ મુંધવા અને તેમના પત્ની ગંગાબેન નારણભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉમર ૫૫) આગામી તા.૨૬-૨૭ ના રોજ પોતાના પુત્રના લગ્ન હોય તે અંગેની કંકોત્રી વહેંચવા માટે હળવદ ગયા હતા અને ગઈકાલે સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેઓ પોતાના બાઈક ઉપર હળવદ તરફથી પરત મોરબી અને ત્યાંથી તેમના ગામ જુની પીપળી જતા હતા દરમિયાનમાં હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેની ઉમા રેસીડેન્સી નજીક તેઓના બાઇકનો વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં વાહનમાંથી પડી જવાથી ગંગાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હોય ૧૦૮ વડે શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલે ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન ગંગાબેન નારણભાઈ મુંધવા નામના ૫૫ વર્ષીય ભરવાડ વૃદ્ધાનું મોત નીપજયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દશેક દિવસ બાદ પોતાના પુત્રના લગ્ન હોય તે નિમિત્તે પોતાના પતિ સાથે ગંગાબેન હળવદ ખાતે કંકોત્રી આપવા માટે ગયા હતા અને બાઈકમાં પતિ-પત્ની પરત ફરી રહ્યા હતા ત્યારે ઘુંટુ ગામ પાસેની ઉમા રેસીડેન્સી નજીક તેમના વાહનનો અકસ્માત સર્જાયો હતો.જેમાં ગંગાબેન મુંધવાનું મોત નીપજયું હતું.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એઅસઆઇ જીગ્નાશાબેન કણસાગરા તપાસ ચલાવી રહ્યા છે.વાહન અકસ્માતનો બનાવ બાઇક સ્લીપ થવાથી થયો છે..? કે અન્ય કોઈ વાહને તેમના બાઇકને હડફેટે લીધું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા અંકુર ભરતભાઈ વાઘેલા નામના ૧૭ વર્ષીય યુવાનને સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર જ આવેલી ગેલેકક્ષી સોસાયટી નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા જ્યોતિબેન અજય ભુપતભાઈ પરમાર (ઉમર ૨૩) ને તેમના ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા જયોતિબેન નામની મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.તાલુકા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ધુળકોટ ગામે રહેતા અંબાબેન કેશવજીભાઇ નાયકા નામની ૨૬ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી તેને અહિંની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે જામનગરના સોયેલ ગામના પાર્થ મહેન્દ્રભાઇ કગથરા નામના ૨૩ વર્ષીય યુવાનને અહીંના જોધપર નદી ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચી હતી જેથી કરીને તેને સારવાર માટે અહીંની મધુરમ હોસ્પિટલે ખસેડાયો હતો.
