શિક્ષણ માટે સમર્પણ: માળીયા મિયાણાના ખેડૂતે પ્રાથમિક શાળા માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપી
SHARE
શિક્ષણ માટે સમર્પણ: માળીયા મિયાણાના ખેડૂતે પ્રાથમિક શાળા માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપી
આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો નાની અમથી મિલકત માટે વિવાદો કરતા હોય છે,ત્યારે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના એક પ્રગતિશીલ અને ઉદાર મનના ખેડૂતે માનવતા અને શિક્ષણ પ્રત્યેના પ્રેમોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.માળીયા મિયાણાના ખેડૂત સુભાનભાઈ બાવાભાઈ સંધવાણીએ પોતાની હક માલીકીની કિંમતી જમીન ગામના બાળકોના ભવિષ્ય માટે, એટલે કે પ્રાથમિક શાળા બનાવવા માટે સરકારને દાનમાં અર્પણ કરી છે.
પ્રજાસત્તાક પર્વે વિશેષ સન્માન
સુભાનભાઈના આ ભગીરથ કાર્યની કદર રૂપે, તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન મામલતદાર દ્વારા તેમનું જાહેર મંચ ઉપરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.તિરંગાની સાક્ષીમાં જ્યારે આ ખેડૂતનું સન્માન થયું ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આદરનો ભાવ જોવા મળ્યો હતો.આજના સમયમાં જ્યારે કોઈ એક રૂપિયો પણ જતો કરવા તૈયાર નથી, ત્યારે સુભાનભાઈએ પોતાની જમીન દાનમાં આપીને સાબિત કર્યું છે કે "દાન એ જ સાચી કમાણી છે." આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં તેમની વાહ-વાહી થઈ રહી છે."બાળકો ભણી-ગણીને આગળ વધે અને ગામનું નામ રોશન કરે તે જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. જમીન તો આજે છે ને કાલે નથી, પણ શિક્ષણ થકી મળેલી જ્ઞાનની જ્યોત પેઢીઓ સુધી ટકશે." તેમ સુભાનભાઈ સંધવાણીએ જણાવ્યું હતું.ગામના આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓએ સુભાનભાઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જમીન ઉપર બનનારી શાળા આવનારા સમયમાં અનેક તેજસ્વી તારલાઓ તૈયાર કરશે.સુભાનભાઈનું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.