મોરબી પાલિકાનું ચાલુ વર્ષનું બજેટ પ્રોસિડિંગ અધ્ધરતાલ, નવા બજેટ માટે ૨૮ મી બોર્ડ બેઠક !
મોરબીમા ગેરકાયદે ખડકાયેલા બાંધકામો રેગ્યુલરાઇઝ્ડ કરાવવા દોડધામ : ઇમ્પેક્ટની ૭૭૩ અરજી મળી
SHARE
મોરબીમા ગેરકાયદે ખડકાયેલા બાંધકામો રેગ્યુલરાઇઝ્ડ કરાવવા દોડધામ: ઇમ્પેક્ટની ૭૭૩ અરજી મળી
મોરબી શહેરના દરેક વોર્ડ વિસ્તારની અંદર આડેધડ કોઈપણ પ્રકારની મંજૂરી વગર છેલ્લા વર્ષોમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે અને સરકાર દ્વારા હાલમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો ફરી અમલમાં મૂકવામાં આવ્યો છે અને તેની મુદતમાં ચાર મહિનાનો વધારો કરવામાં આવ્યો છે દરમિયાન મોરબી નગરપાલિકામાં છેલ્લા એક મહિનામાં ઇમ્પેક્ટ ફીની ઓફલાઈન ૭૭૩ જેટલી અરજીઓ આવેલ છે અને હજુ આગામી દિવસોમાં અરજીમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
શહેરી વિસ્તારનો યોગ્ય રીતે વિકાસ થાય તેના માટે થઈને બાંધકામ મંજૂરી મેળવ્યા પછી બાંધકામ કરવાનો નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે પરંતુ સરકારના નિયમને નેવે મૂકીને અનેક બિલ્ડરો તેમજ રાજકીય વગ ધરાવતા આસામીઓ દ્વારા આડેધડ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે જેથી કરીને હાલમાં શહેરી વિસ્તારની અંદર કોંકરેટના જંગલ ખડકાઈ ગયા છે જેની સામે સરકારની તિજોરીમાં આવકના નામે કશું જ નથી ત્યારે સરકારી તિજોરીમાં આવક થાય તે માટે સરકારે અગાઉ ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો હતો ત્યારે અનેક ગેરકાયદેસર બાંધકામો ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઈઝ કરવામાં આવ્યા હતા અને ફરી પાછો સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે અને ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ઇમ્પેક્ટ ફીની ઓનલાઇન અરજીઓ કરવાની હતી અને તે સમયગાળા દરમિયાન મોરબી શહેરી વિસ્તારની અંદરથી નહિવત અરજીઓ આવી હતી પરંતુ હાલમાં ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલર કરવા માટે થઈને ઓફ લાઇન અરજીઓ લેવામાં આવી રહી છે ત્યારે અરજીનો ઢગલો થયો હોવાની માહિતી મળી રહી છે.
પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સરકાર દ્વારા ૧/૧૦/૨૦૨૨ પહેલાં જે ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે તેને રેગ્યુલરાઈઝ કરવા માટે થઈને હાલમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે અગાઉ તેની જે છેલ્લી મુદત હતી તે સમયગાળો વીતી ગયા બાદ સરકારે ૧૭ ફેબ્રુઆરીથી ચાર મહિના સુધીનો અરજી કરવા માટેનો સમયમાં વધારો કરેલ છે અને ૧૭ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં મોરબી નગરપાલિકામાં ૭૭૩ જેટલી ઇમ્પેક્ટ ફીની ઓફલાઈન અરજીઓ કરવામાં આવેલ છે અને તેનો નિયમ પ્રમાણે નિકાલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે જોકે હજુ ત્રણ મહિના સુધી આ ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં હોય આગામી દિવસોમાં મોરબી શહેરના ૧૩ વોર્ડમાં ખડકાઈ ગયેલ ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલર કરવા માટે થઈને વધુ અરજીઓ નગરપાલિકામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી કારણ કે આજની તારીખે પણ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર બહુમાળી બાંધકામો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે જોકે બહુમાળી બાંધકામોમાં ફાયરની સેફટીને ધ્યાને લેવામાં આવતી નથી અને મોરબી નગરપાલિકા પાસે ત્રણ માળથી વધુ ઊંચાઈએ કામ કરી શકે તેવી ફાયરની કોઈ મશીનરી નથી આવા સંજોગોમાં પણ ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલર કરવામાં આવી રહ્યા છે તે ભવિષ્યમાં મોરબીના લોકો માટે ચિંતાનો વિષય બને તેમ છે.