મોરબીમાં પાંચ કરોડનો તોડ ?: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયએ સોશ્યલ મીડિયામાં મૂકેલા વિડીયો પછી પણ પોલીસ મુકપ્રેક્ષક !
SHARE
મોરબીમાં પાંચ કરોડનો તોડ ?: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયએ સોશ્યલ મીડિયામાં મૂકેલા વિડીયો પછી પણ પોલીસ મુકપ્રેક્ષક !
મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાણે કે, સોશિયલ મીડિયા વોર ચાલુ હોય તે રીતે એક પછી એક વિડીયો, ઓડિયો તથા ટેક્સ મેસેજ વાયરલ થતા હોય છે તાજેતરમાં મોરબીની પરિસ્થિતિને લઈને જે સોશિયલ મીડિયામાં ટેક્સ મેસેજ વાયરલ થયા હતા. ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રીના સમયે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરના જુદાજુદા ત્રણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે જેમાં પાલિકાને બદનામ કરવા માટે થઈને કેટલાક રતન દુખિયાઓ કામ કરી રહ્યા હોવાની વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે તેની સાથોસાથ સૌથી મોટી વાત એ છે કે “મોરબીમાં પાંચ કરોડનો તોડ” ની વાતનો પણ ઉલ્લેખ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે સવાલએ ઊભો થાય છે કે “સોશિયલ મીડિયામાં વારંવાર ઓડિયો, વીડિયો અને મેસેજ જે વાયરલ થાય છે તેને ધ્યાને લઈને પોલીસ દ્વારા અમુક કિસ્સાઓમાં કામગીરી થાય છે જોકે અમુક કિસ્સાઓમાં કામગીરી થતી નથી પરંતુ ધારાસભ્યના વાયરલ થયેલ વિડિયોને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા "તોડકાંડ"ની દિશામાં કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ..? તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલ છે.
મોરબીમાં જુલતો પુલ તૂટ્યો તે દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછીથી વહીવટદાર મૂકવામાં આવેલ છે અને છેલ્લે સરકાર દ્વારા પાલિકાને સુપર સીડ કરવામાં આવી ત્યાર પછી વહીવટદાર તથા ચીફ ઓફિસર બંને મોરબીમાં લોકોને સારી પ્રાથમિક સુવિધા મળે તેના માટે મૂકવામાં આવેલ છે જો કે, કેવી સુવિધા મળે છે તે સો કોઈ જાણે છે.પરંતુ પાલિકામાં અગાઉ સીટી બસ, કચરાનો નિકાલ વિગેરે જેવા જે કોઈ કોન્ટ્રાક્ટો આપવામાં આવ્યા હતા તેમાં લાખો- કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો તેની સામે હાલમાં નજીવા ખર્ચે મોરબી પાલિકાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા રૂટીન કામગીરીના ગાબડા પુરવામાં આવી રહ્યા છે.તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.તેવામાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ટેક્સ મેસેજ વાયરલ થયો હતો “જાગો કાનાભાઈ જાગો” જે મેસેજ બાદ ગુરૂવારે રાત્રિના મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વહીવટદાર એન.કે.મુછાર અને પાલિકાના ચીફ ઓફિસર તથા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ ઉપાધ્યાયના જુદાજુદા ત્રણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.જેમાં પાલિકાના વહીવટદાર એન.કે.મુછારના કહેવા પ્રમાણે સતત વરસાદ પડતો હોવાના કારણે રોડ રસ્તામાં પડેલા ગાબડા પૂરવા માટેની કામગીરી થઈ શકી નથી..! પરંતુ વરસાદે વિરામ લેતાની સાથે જ મોરબીમાં રોડ રસ્તા તૂટી ગયા છે તેને રીપેર કરવા માટેની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે તેવી જ રીતે પાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જણાવ્યુ છે કે, પાલિકા દ્વારા હાલમાં શહેરમાંથી કચરા નિકાલ માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે ઉપરાંત વધારાના ટ્રેક્ટર અને ડમ્પરને કામે લગાડીને તેમજ પાલિકાના સફાઈ કામદારોને કામે લગાડીને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેના માટેની કામગીરી કરવામાં આવશે.
જોકે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે તેમાં ઘણી બધી ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે જેમાં ખાસ કરીને મોરબીમાં ભૂગર ગટરના પ્રશ્નો ઊભા થાય તેના માટે અડધી રાતે ગટરના ઢાંકણા ખોલીને તેમાં ગોદડા નાખવામાં આવે છે, કચરા નાખવામાં આવે છે અને ગટરની સમસ્યા ઊભી રહે તે પ્રકારના કૃત્યો કરવામાં આવે છે તેવું તે જણાવી રહ્યા છે તેની સાથોસાથ મોરબીના લોકોને સારામાં સારી સુવિધાઓ મળે તે માટે આગામી ૧૦ મા મહિનાથી મોરબીમાં ન ભૂતો ન ભવિષ્ય કહી શકાય તેવા કામો એક સાથે શરૂ થવાના છે અને કાંતિભાઈ અમૃતિયા લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે સતત જાગે જ છે અને રાત્રે પણ આંટા મારતા હોય છે.પરંતુ અમુક રતન દુખિયા ભૂગર્ભ અને સફાઈના કોન્ટ્રાક્ટ બંધ થઈ જતા પાલિકા કેમ બદનામ થાય તેમ જ તેના થકી કાનાભાઇને કેમ બદનામ કરી શકાય તે પ્રકારના પ્રયાસો કરે છે.તેવું જણાવી રહ્યા છે જોકે આવા પ્રયાસો કોણ કરે છે..? તે તપાસનો વિષય છે.વધુમાં ધારાસભ્ય કાંતીભાઇએ પોતાના વીડિયોમાં એવું પણ જણાવ્યું છે કે, પાલિકાની પોઝિશન પહેલા અતિ ખરાબ હતી પરંતુ ધીમે ધીમે પાલિકાની પોઝીશન હવે સારી થતી જાય છે.જોકે અમુક ચેનલવાળાએ પાંચ કરોડના તોડ કર્યા છે એટલા માટે થઈને પાલિકા બદનામ થાય તેમજ કાંતિભાઈ બદનામ થાય તેના માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને તે લોકોને હવે પાલીકામાંથી કંઇ મળતું નથી એટલા માટે જાગો કાંતિભાઈ જાગો... ના મેસેજ કરે છે એવો ટોણો પણ મારેલ છે.જે પોલીસ તોડકાંડ મુદે શું પોલીસ ગંભીરતાપુર્વક તપાસ કરશે ખરી..?
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં સોશિયલ મીડિયામાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવીને વીડિયો અપલોડ થાય તો ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારા શખ્સોની સામે કાર્યવાહી થાય છે !, હાઇવે રોડ ઉપર આડો અવળો ટ્રક ચલાવવામાં આવે અને તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસના ધ્યાન ઉપર આવે તો તેની ઉપર કાર્યવાહી થાય !, કોઈ વ્યક્તિ હથિયાર સાથે ફોટો પાડીને સોશિયલ મીડિયામાં મૂકે તો તેની સામે કાર્યવાહી થાય !, પરંતુ મોરબી પાલિકાના વહીવટને લઈને હાલમાં જે વિડિયો કાંતિભાઈ અમૃતિયા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે તેમા સૌથી મોટી બાબત "પાંચ કરોડના તોડ"ની કોઈ ચર્ચા કરવામાં આવેલ છે. જોકે આ તોડ કઈ બાબતને લઈને થયો હતો ? પાલિકાની કામગીરીને લઈને થયો હતો કે પછી છેલ્લા ઘણા સમયથી મોરબીની અંદર જે હનીટ્રેપ સહિતના મુદ્દાઓ ચાલી રહ્યા છે તેને લઈને થયો હતો ? તે તપાસનો વિષય છે પરંતુ પોલીસ દ્વારા તે દિશામાં નક્કર તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે ? અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારને મળેલા મત કરતા પણ વધુ મતની લીડ સાથે વિજેતા બનેલા ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયા દ્વારા મોરબીમાં પાંચ કરોડ રૂપિયાનો તોડ થયો હોવા અંગેની જે વાત પોતાના વિડીયોની અંદર કહેવામાં આવી રહી છે તે બાબતને ગંભીરતાથી લઈને મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રીપાઠી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ..? એ તો આગામી સમય જ બતાવશે.પરંતુ જો કામગીરી કરવામાં આવશે તો કેટલાક ચેલેંજ ફેંકતા અને કહેવાતા સમાજના આગેવાનોના મોઢા ચોક્કસ સિવાઈ જશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.