મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓએ-કર્મચારીઓ હોદેદારો-ધારાસભ્યને પણ ગણકારતા નથી !: શાસકોએ વિપક્ષના હક ઉપર તરાપ મારી હોવાનો ગંભીર આક્ષેપ
SHARE
મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓએ-કર્મચારીઓ હોદેદારો-ધારાસભ્યને પણ ગણકારતા નથી !: શાસકોએ વિપક્ષના હક ઉપર તરાપ મારી હોવાનો ગંભીર આક્ષેપ
મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 માં નાણાપંચના ગ્રાન્ટનું આયોજન કરવા બાબતે વિપક્ષ દ્વારા હોબાળો મચાવ્યો હતો કારણ કે, વિપક્ષના સભ્યોને પૂછ્યા વગર તેઓના મતવિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોનું આયોજન કરી નાખવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી પદાધિકારીઓ સહિતનાઓની સાથે સંકલન કર્યા વગર કામ કરતાં હોવાથી આ સામાન્ય સભાની બેઠકમાં ઠરાવ કરીને સરકાર હવાલે મૂકવામાં આવેલ છે અને આઉટ સોર્સિંગના કર્મચારીઓનું શોષણ થતું હોવાનો મુદ્દો પણ આ બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો હતો
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી શાખાના ચેરમેનો તેમજ ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્ય અને ડીડીઓ એસ.જે. પ્રજાપતિ સહિતના તમામ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ સામાન્ય સભાની બેઠક દરમિયાન વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી દ્વારા 10 તેમજ મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રા દ્વારા 20 આમ કુલ 30 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા
જેના જવાબ દેવામાં અધિકારીઓને પરસેવો વળી ગયો હતો અને ખાસ કરીને બાંધકામ શાખા દ્વારા સમયસર કોઈ વિસ્તારની અંદર કામ પૂર્ણ કરવામાં આવતા નથી, સાડા ત્રણ વર્ષથી જિલ્લામાં સ્ટાફ ઘટે છે, જિલ્લાના 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 16 પીએચસીમાં આજની તારીખે ડોક્ટર નથી. અને જીલ્લામાં 15 માં નાણાપંચની ગ્રાન્ટના આયોજનમાં વિપક્ષને પુછવામાં આવ્યું ન હતું જેથી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી, નયનભાઇ આઘારા સહિતના સભ્યોએ હોબાળો કર્યો હતો. અને તેઓના હક ઉપર શાસકે તરાપ મારી છે તેવો આક્ષેપ કર્યો હતો.
મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર નબળા પરિવારના લોકો દ્વારા પ્લોટની માંગણી ગ્રામ પંચાયતો પાસે કરવામાં આવી છે પરંતુ ગ્રામ પંચાયત પાસે ગામતળ ન હોવાથી અથવા તો ગ્રામ તળ નીં કરાયું ન હોવાથી લોકો હેરાન થાય છે અને લાભાર્થીઓન 100 વારિયા પ્લોટ આપી શકાતા નથી. અને ખાસ કરીને મોરબીના ડીડીઓ દ્વારા ટંકારાના ટીડીઓને બે વખત લેખિતમાં આદેશ કરીને ગામ તળ નીમ કરવા યોગ્ય કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે તેમ છતાં પણ હજુ સુધી તે બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી લાભાર્થીઓને ક્યારે પ્લોટ મળશે તેવો સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
તેમજ મોરબી જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાની અંદર કાયમી કર્મચારીઓ, રોજમદાર અને હંગામી કર્મચારીની આંકડાકીય માહિતી માંગવામાં આવી હતી જેમાં મોટાભાગના વિભાગોમાં આઉટ સોર્સિંગ અથવા તો હંગામી કર્મચારી સહિત માંડ 50 ટકા સ્ટાફ હોવાનું સામે આવ્યું છે. અને જે એજન્સીઓને કામ આપવામાં આવે છે તેના દ્વારા કર્મચારીઓ પાસેથી દર મહિને યુનિફોર્મ અને આઈકાર્ડ માટેના પૈસા લેવામાં આવે છે પરંતુ યુનિફોર્મ કે આઈકાર્ડ આપવામાં આવતા નથી અને આઉટ સોર્સિંગના સ્ટાફનું એજન્સી દ્વારા શોષણ કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત તરફથી સમયસર નાણા એજન્સીને આપી દેવામાં આવતા હોય તો પછી આઉટ સોર્સિંગના કર્મચારીઓને કેમ સમયસર પગાર આપવામાં આવતો નથી. તે મુદ્દો ચર્ચામાં વિષય બન્યો હતો જેથી ડીડીઓએ એજન્સીને તાત્કાલિક બોલાવવા અધિકારીઓને સૂચના આપી હતી.
મોરબી જિલ્લામાં નબળી કામગીરી કરનાર એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા માટે ચૂંટાયેલા સભ્યો, ચેરમેનો તથા ધારાસભ્યો દ્વારા એક નહીં પરંતુ અનેક વખત અધિકારીઓને સૂચના આપવામાં આવે છે તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાના બદલે તેઓને છાવરવામાં આવે છે. જેથી કરીને બેઠકમાં હાજર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે “નબળા માણસોના કામ કરો, બાકી પૈસાવાળા માણસો તો ટેબલ ઉપર વજન મૂકીને કામ કરાવી જવાના છે.” તેવી ટકોર કરી હતી અને મોરબી જીલ્લામાં રોડ રસ્તા સહિતની નબળી કામગીરી કરનારા જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તેની સામે આકરા પગલાં લેવામાં અધિકારીને સૂચના આપી હતી.
મોરબી જિલ્લા પંચાયત ઉપર શાસકોની કોઈ પકડ જ ન હોય તેવો ઘાટ આજે યોજાયેલ સામાન્ય સભાની બેઠકમાં જોવા મળ્યો હતો કારણ કે, જુદા જુદા વિભાગને લગતા જે કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા તેમાં ખાસ કરીને અધિકારીઓ કે કર્મચારીઓ વારંવાર સૂચના આપવામાં આવે છતાં પણ તે લોકોને જવાબ આપતા નથી. આટલું જ નહીં પરંતુ ધારાસભ્ય દ્વારા પણ એક નહીં પરંતુ અનેક વખત માહિતી માંગવામાં આવે તેમ છતાં પણ બાંધકામ શાખાના અધિકારી માહિતી આપતા નથી ત્યાર જો અધિકારીઓ અને કર્મચારીઓ હોદેદારો, સભ્યો કે ધારાસભ્યને ગણકારતા ન હોય તો પછી આમ જનતાના કામ કેવા કરતાં હશે તે પણ તપાસનો વિષય છે.