મોરબીના વર્ષામેડી ગામ પાસે વહેલી સવારે અકસ્માત, બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા યુવાનનું મોત
મોરબી જીલ્લામાં ૫૫૦ લિટર દેશી દારૂ ભરેલ ગાડી પોલીસ ઉપર ચડાવી ભાગવાનો પ્રયાસ !: બે આરોપીની ૧૨.૨૪ લાખના મુદામાલ સાથે ધરપકડ
SHARE
મોરબી જીલ્લામાં ૫૫૦ લિટર દેશી દારૂ ભરેલ ગાડી પોલીસ ઉપર ચડાવી ભાગવાનો પ્રયાસ !: બે આરોપીની ૧૨.૨૪ લાખના મુદામાલ સાથે ધરપકડ
વાંકાનેર તાલુકાના કોઠી ગામના બોર્ડ પાસે પાયલોટિંગ સાથે દેશી દારૂ ભરેલ કાર પસાર થવાની છે તેવી બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં વોચમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી તરફથી બ્રેઝા કાર આવી હતી અને તેની પાછળ એક્સેન્ટ કાર આવી હતી જે કારને મારી મૂકવામાં આવી હતી જેથી કરીને પોલીસે તેનો પીછો કર્યો હતો ત્યારે દારૂ ભરેલ કારના ચાલકે પોલીસની ખાનગી ગાડી સાથે તેની ગાડી અથડાવીને નાસી જવનો પ્રયાસ કર્યો હતો જો કે, કાર ઉકરડામાં ફસાઈ ગયેલ હતી અને કાર ચાલક અંધારામાં નાસી ગયો હતો જો કે, ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવ્યો હતો જેની પૂછપરછ કરીને તેને તેના વાલીના હવાલે કરવામાં આવેલ છે અને આ બનાવમાં ૧૨.૨૪ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને બે આરોપીને પકડ્યા છે જો કે, નાસી ગયેલ આરોપી સહિતના બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ક્રિપાલસિંહ ચાવડા, ચમનભાઈ ચાવડા, સંજયસિંહ જાડેજા, વીજયભાઈ ડાંગર, રવીભાઈ કલોત્રા તથા અજયસિંહ ઝાલા તાલુકા પોલીસ સ્ટેશને હતા ત્યારે વીજયભાઈ ડાંગરને બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ટ્રી તરફથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર નં. GJ-03-KP-0959 વાળીમાં દેશી દારૂ ભરી મોરબી તરફ આવે છે. અને એક્સેન્ટ કારની આગળ આગળ સફેદ કલરની મારૂતી સુઝુકી બ્રેઝા કાર નં. GJ-36-AJ- 9421 નો ચાલક પાયલોટીંગ કરે છે. જેથી ખાનગી વાહનોમાં બેસી વાંકાનેર તાલુકાના કોઠી ગામના બોર્ડ પાસે વોચમાં હતા ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી તરફથી બ્રેઝા કાર આવી હતી તેને ઊભી રાખવા માટે હાથ વડે ઇશારો કર્યો હતો જો કે, તેની પાછળ બાતમી વાળી એક્સેન્ટ કાર આવી રહી હતી તેને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો જો કે, કાર ચાલકે કાર ઉભી રાખેલ ન હતી.
જેથી કરીને પોલીસે ખાનગી વાહનમાં બેસીને તે ગાડીનો પીછો કર્યો હતો અને જોધપર ગામના ઓવરબ્રીઝની બાજુમાં આવેલ સર્વિસ રોડ તે કાર જતી હોવા મળી હતી. જેથી તેનો પીછો કર્યો હતો ત્યારે તે કાર બંધ શેરીમાં ઘૂસી ગયેલ હતો. જો કે, ભાગવા માટે તેને પોલીસ જે ખાનગી વાહનમાં આવી હતી તે ગાડીમાં મોરા સાથે મોરો અથડાવ્યો હતો અને કાવું મારીને ભગવાનો પ્રયાસ કર્યો હતો જો કે, આ શખ્સોની કાર ત્યાં ઉકરડામાં ફસાઈ ગયેલ હતી જેથી તે કારમાં બેઠેલા શખ્સોએ નીચે ઉતારીને ભગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને પકડ્યો હતો. અને તેને સાથે રાખીને કાર ચેક કરી ત્યારે કારમાંથી દેશી દારૂ લીટર ૫૫૦ મળી આવેલ છે જેથી ૧૧,૦૦૦ નો દારૂ અને ૫,૦૦,૦૦૦ની કાર આમ કુલ મળીને ૫.૧૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
ત્યાર બાદ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરને નાશી જનાર કાર ચાલક બાબતે પૂછ્યું હતું ત્યારે નાશી જનાર કાર ચાલક કીશન ભીખુરામ વાઘાણી જાતે બાવાજી રહે. હાલ. રાજકોટ મુળ ગામ ગારીડા વાળો હોવાનું સામે આવ્યું હતું અને જે કાર પાયલોટિંગ કરી રહી હતી તે બ્રેઝા કારમાંથી અજયભાઇ જાદવભાઈ મેર જાતે કોળી (૨૩) રહે. નાળીયેરી અને હર્ષદભાઈ અનકભાઈ ધાંધલ જાતે કાઠી દરબાર (૩૪) રહે. જાનીવડલા વાળા હોવાનું સામે આવ્યું હતું અને તેની ગાડી તેમજ બે મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે અને કુલ મળીને પોલીસે ૧૨.૨૪ લાખનો મુદામાલ કબજે કરીને હાલમાં બે આરોપીને પકડ્યા છે અને જે આરોપી નાશી ગયેલ છે તેના સહિત કુલ પાંચ સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને બાળકીશોરને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે.