મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ
SHARE
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ
સમગ્ર રાજ્યની સાથે મોરબીમાં પણ સેવા સેતુનો જિલ્લા વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. મોરબીમાં પાંચેય તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ મળીને ૭૪૬૦ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે.
મોરબી તાલુકાના જેતપર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના જિલ્લાકક્ષા તેમજ તાલુકાકક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગ દ્વારા ૧૫ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સેવા સેતુમાં ક્લસ્ટર હેઠળના ૨૯ ગામના ૬૪૦ લોકોએ લાભ લીધો હતો. વિવિધ વિભાગની જરૂરી સેવાઓ માટે ૨૫૫૪ જેટલી અરજીઓ કરવામાં આવી હતી જેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે આગામી ૮ ઓક્ટોબરના રોજ મોરબીના લાલપર ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે.
વવાણીયામાં સેવાસેતુ
માળીયા તાલુકામાં વવાણીયા ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે માળીયા તાલુકાના વવાણીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગ દ્વારા ૭ જેટલા સ્ટોલ રાખી વિવિધ જરૂરી સેવાઓ ગામ લેવલે ઉપલબ્ધ કરવામાં આવી હતી. ત્યારે કલસ્ટર હેઠળના ૧૩ ગામના ૬૧૫ લોકોએ આ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો. અરજદારો દ્વારા કરવામાં આવેલી ૧૩૯૮ અરજીઓનો વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક નિકાલ કરાયો હતો. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આગામી પાંચ ઓક્ટોબરના રોજ માળિયા તાલુકામાં સરવડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ૧૪ ગામના લોકો વહીવટી તંત્રના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ મેળવી શકશે
લજાઈમાં સેવાસેતુ
ટંકારા તાલુકામાં લજાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૧૯ ગામના ૩૩૮ લોકોએ સરકારના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો હતો. અને લજાઈ ખાતે કાર્યક્રમમાં વિવિધ વિભાગ દ્વારા ૧૩ જેટલા સ્ટોલ અરજદારોની સેવા માટે રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ૧૯ ગામના ૧૦૫૭ જેટલા ગ્રામજનો દ્વારા વિવિધ સેવાઓ માટે અરજીઓ કરવામાં આવી હતી. આ તમામ ૧૦૫૭ અરજીઓનો વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. હવે આગામી ત્રણ ઓક્ટોબરના રોજ જબલપુર ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ આયોજન યોજાશે.
મયુરનગર ગામે સેવાસેતુ
હળવદના મયુરનગર ગામે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૨૧ ગામના ૧૧૦૮ લોકોએ વિવિધ જરૂરી સેવાઓ માટે અરજી કરી હતી. આ તમામ અરજીઓનો વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ પોઝિટિવ એપ્રોચ સાથે નિકાલ કરવામાં આવ્યો હતો. હવે આગામી ચાર ઓક્ટોબરના રોજ હળવદ તાલુકાના માથક ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે.
રાતડીયા ગામે સેવાસેતુ
વાંકાનેરના રાતડીયા ગામે સેવાસેતુના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેનો ૩૧ ગામના ૧૨૩૫ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. અને ત્યાં આવેલ અરજદારો દ્વારા વિવિધ સેવાઓ માટે ૧૩૪૩ જેટલી અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા ઝડપી સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તમામ ૧૩૪૩ અરજીઓનો ત્વરિત હકારાત્મક નિકાલ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા ૧૯ ના રોજ પીપળીયારાજ ગામ ખાતે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.