મોરબી જીલ્લામાં ભાજપને નુકશાન થાય તેવું કૃત્ય કરનારા જિલ્લા પંચાયતના ચેરમેનને જિલ્લા ભાજપ પ્રમુખે ફટકારી કારણદર્શક નોટીસ
SHARE
મોરબી જીલ્લામાં ભાજપને નુકશાન થાય તેવું કૃત્ય કરનારા જિલ્લા પંચાયતના ચેરમેનને જિલ્લા ભાજપ પ્રમુખે ફટકારી કારણદર્શક નોટીસ
ગત શનિવારે મોરબીમાં મોરબી જિલ્લા પંચાયતના એક ચેરમેને પોતાની ઓફિસે પત્રકાર પરિષદ કરી હતી અને ત્યારે ના માત્ર મોરબી પરંતુ ગુજરાતમાં સિનિયર ધારાસભ્યોમાં જેની ગણતરી કરવામાં આવે છે તેવા મોરબીના ભાજપના ધારાસભ્ય ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેથી કરીને આ બાબતની ગંભીર નોંધ કરીને હાલમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખે બેફામ વાણી વિલાસ કરીને શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષને નુકશાન થાય તેવું કૃત્ય કરનાર મોરબી જિલ્લા પંચાયતના આ ચેરમેનને કારણદર્શક નોટિસ ફરકારી છે અને તેની સામે કેમ કોઈ પગલાં ન લેવા તેના માટેનો 15 દિવસમાં ખુલાસો માંગવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં ગત શનિવારે મોરબી જિલ્લા પંચાયત દ્વારા જુદાજુદા 4.18 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો અને આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાનું નામ ન હોવાથી શુક્રવારે સાંજના સમયે જુદાજુદા સમાચાર માધ્યમોમાં આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાથી નવા જૂની થશે તેવા સમાચારો પ્રસિદ્ધ થયા હતા.
ત્યાર બાદ બીજા દિવસે એટલે કે શનિવારે ભાજપમાંથી ચૂંટાયેલા મોરબી જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાએ તેની ઓફિસે પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેને પોતે જ જે આમંત્રણ કાર્ડને લઈને વિવાદ શરૂ થયો હતો તેનો છેદ પોતે જ પોતાની વાતમાં ઉડાવી દીધો હતો અને કાર્ડમાં તેનું નામ ન હોવાથી શરૂ થયેલ વાતને પોતે જ ગૌણ ગણાવી હતી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપર સીધું નિશાન તાકવામાં આવ્યું હતું અને “છેલ્લા 30 વર્ષથી મોરબીના ધારાસભ્ય હોવા છતાં પણ મોરબીની દુર્દશા છે અને તે મોરબીના ધારાસભ્યને ધારાસભ્ય ગણતા જ નથી તે સહિતની વિગેરે વિગેરે વાતો કરી હતી.
ત્યાર બાદ જિલ્લા પંચાયતના ભાજપના જ ચેરમેને આક્ષેપો કરેલ હોવાથી આ બાબતે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, “કેટલાક લોકોની દુકાનો છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગઈ છે જેથી તેના પેટમાં તેલ રેડાયું છે. જોકે મોરબીના લોકોની સલામતી જળવાઈ રહે, સુખશાંતિ રહે તે માટે થઈને ઘણા બધા દુશ્મનો છે અને હજુ પણ દુશ્મનો કરવાના જ છે અને દુશ્મનો કરવા માટે તે તૈયાર છે. તેવું કહીને ચેરમેને કરેલા તમામ આક્ષેપોને ધારાસભ્યએ વખોડી કાઢ્યા હતા તેવામાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાને હાલમાં કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે.
મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જિલ્લા ભાજપ દ્વારા મોરબી જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના ચેરમેન અજય લોરિયાને હાલમાં કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે. કેમ કે, તેને પોતાની ઓફિસે પત્રકાર પરિષદ કરીને જે નિવેદન આપેલ છે તેનાથી મોરબી જીલ્લામાં ભાજપને નુકશાન થયું છે અને મોરબી જિલ્લામાં ભાજપને નુકશાન થાય તેવું કૃત્ય કરેલ હોવાથી તેને કરણદર્શંક નોટિસ આપવામાં આવેલ છે અને આગમી 15 દિવસમાં તેને ખુલાસો કરવા માટે કહેવામા આવ્યું છે
વધુમાં માહિતી આપતા જિલ્લા ભાજપના પ્રમુખે જણાવ્યુ હતું કે, જિલ્લા પંચાયતના આ ચેરમેને પત્રકાર પરિષદ કરતાં પહેલા જિલ્લા ભાજપને કોઈપણ પ્રકારની જાણ કરેલ નથી અને જિલ્લા પંચાયતના જે કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં તેનું નામ નથી તેવું કહેવામા આવ્યું હતું તે કાર્યક્રમમાં તે અપેક્ષિત નથી અને તેના સિવાય જિલ્લા પંચાયતના બીજા પણ ચેરમેનોના નામ તે કાર્ડમાં ન હતા તો પણ જીલ્લામાં ભાજપને નુકશાન થાય તેવું કૃત્ય શા માટે તેણે કર્યું હતું તેનો ખુલાસો પુછવામાં આવેલ છે ત્યાર બાદ આગામી સમયમાં તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરફથી મળ્યા છે.