ટંકારા તાલુકામાંથી થયેલા બે બાળકોના અપહરણ બનાવમાં પકડાયેલા મહિલાએ પોલીસને ઘૂમરે ચડાવી: ઓળખ મેળવવા તજવીજ
SHARE
ટંકારા તાલુકામાંથી થયેલા બે બાળકોના અપહરણ બનાવમાં પકડાયેલા મહિલાએ પોલીસને ઘૂમરે ચડાવી: ઓળખ મેળવવા તજવીજ
ટંકારા તાલુકાનાં નેકનામ ગામની સીમમાં આવેલ વાડીએથી બે બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી ટંકારા તાલુકા પોલીસે બાળકોને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં બંને બાળકો અને અપહરણ કરનારા મહિલા વાંકાનેર શહેરમાંથી મળી આવ્યા હતા અને બંને બાળકોને તેના વાળીને સોંપી દેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ મહિલાએ શા માટે બંને બાળકોનું અપહરણ કર્યું હતું તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે જો કે, મહિલા પોલીસને ઘૂમરે ચડાવી રહી છે જેથી કરીને હજુ સુધી આ મહિલા કોણ છે તે માહિતી પણ સામે આવેલ નથી. માટે પહેલા તો મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નેકનામ ગામે રહેતા કેશરભાઇ જેઠાભાઇ બારીઆ જાતે કોળી (23)એ તા.૧16/12 ના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં આવીને નેકનામ ગામની સીમમાં આવેલ કાંતીભાઇ પટેલની વાડીએ રહી તેને તે મજૂરી કામ કરે છે ત્યાં તેના બે દીકરા હાર્દિક (3) અને વૈભવ (1.5) વાડીની ઓરડી પાસે રમતા હતાં ત્યારે ત્યાંથી કોઇએ તેનું અપહરણ કર્યું છે તેવી ફરિયાદ કરી હતી જેથી કરીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા અને બાળકોને શોધવા તજવીજ શરૂ કરી હતી. અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા સ્થાનિક પોલીસે અને વાંકાનેર વિભાગના પોલીસ સ્ટાફ તેમજ એલસીબી સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફુટેઝ તથા હયુમન સોર્સીસના તથા ટેકનીકલ માહિતી મેળવી બાળકોને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી
દરમ્યાન મળેલ વર્ણન મુજબની શંકાસ્પદ મહિલાનું લોકેશન નેકનામ, મીતાણા, વાલાસણ ગામ તથા વાંકાનેર શહેર વિસ્તારમાં હોવાની માહિતી મળી રહી હતી જેથી વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને અવાવરૂ જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે તા.17/12 ના રોજ અપહરણ થનાર બંન્ને માસુમ બાળકો પોલીસે વાંકાનેર શહેરમાંથી હેમખેમ શોધી કાઢયા હતા અને બંને બાળકોનું અપહરણ કરનાર મહિલાને પણ પકડી લેવામાં આવી હતી જો કે, પકડાયેલ મહિલાએ પહેલા બંને બાળકો તેના દીકરા અને દીકરીના સંતાન છે તેવું પોલીસને કહ્યું હતું ત્યાર બાદ બંને બાળકો તેને ગમી ગયા હતા જેથી તે સાથે લઈ ગયેલ હતી તેવું કહ્યું હતું અને ત્યાર પછી પાવાગઢ દર્શન કરવા માટે બંને બાળકોને લઈને જાય છે તેવું કહ્યું હતું આમ વારંવાર ફરતું ફરતું બોલીને આ મહિલા પોલીસને ઘૂમરે ચડાવી રહી છે
હાલમાં ટંકારાના પીઆઇ એસ.કે.ચારેલ તેમજ પીએસઆઇ એમ.જે.ધાધલ સહિતની ટીમ દ્વારા જે મહિલા દ્વારા બંને બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની સાચી ઓળખ મેળવવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે કેમ કે, તે મહિલાએ અત્યાર સુધીમાં તેના ચાર જેટલા જુદાજુદા સરનામા કહ્યા છે ત્યાં સ્થાનિક પોલીસને કહીને તપાસ કરાવવામાં આવી તો ત્યાંનું સરનામું ખોટું હોવાની માહિતી સામે આવેલ છે અને આ મહિલા જે નામ આપે છે તે નામ આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડના ડેટામાં મેચ થતું નથી જેથી મહિલા કેમ પોલીસને સાચી માહિતી આપી રહી નથી અને બંને બાળકોનું અપહરણ શા માટે કર્યું હતું તે પ્રશ્ન હજુ પણ ઊભો જ છે.