મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ:ઓળખપત્રમાં ક્ષતિ અને સરનામુ સુધારવાની તક
SHARE
મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ:ઓળખપત્રમાં ક્ષતિ અને સરનામુ સુધારવાની તક
લોકશાહીને મજબૂત બનાવવા અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા પાત્રતા ધરાવતા યુવાઓ મતદારયાદીમાં નામ નોંધાવવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યું કે, નવેમ્બર માસ દરમિયાન ઝુંબેશ સ્વરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. ખાસ ઝુંબેશ સ્વરૂપે તા.૧-૧-૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદાર તરીકે પોતાનુ નામ નોંધાવી શકશે. ઉપરાંત મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિ અને સરનામાને આ ઝુંબેશમાં સુધારી શકાશે.
મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ જણાવ્યું કે, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના માર્ગદર્શન મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે બહેતર ભવિષ્યના નિર્માણ અને સારા જનપ્રતિનિધિ ચૂંટવામાં લોકો મતાધિકાર ઉપયોગ કરે તે આવશ્યક છે. આમ, જો લોકોએ મતદાર યાદીમાં નામ નોધાવ્યું હશે તો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. નાગરિકો ખાસ ઝુંબેશનો લાભ મેળવી પોતાનું નામ મતદાર યાદીમાં અચૂક નોંધાવી 'મતદાર' બને.સરકારી કામકાજના દિવસો દરમિયાન સંબંધિત મામલતદાર કચેરી ઉપરાંત ખાસ ઝુંબેશ હેઠળના દિવસો તા. ૨૧, ૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ મતદાન મથક ખાતે સવારે ૧૦ થી ૫ કલાક દરમિયાન બી.એલ.ઓ. પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવાની સાથે વોટર આઇડીમાં રહેલી ક્ષતિ અને સરનામાં પણ સુધારો કરી શકાશે.
ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મોબાઈલ એપ ઉપરાંત www.voterportal.eci.in અથવા www.nsvp.in પર પણ મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાર બનવાની સાથે જ વોટર આઈડીમાં જરૂરી સુધારા પણ કરી શકો છો. ઓનલાઇન નામ નોંધાવવા માટે જો આધાર કાર્ડમાં યોગ્ય સરનામું યોગ્ય હોય તો અન્ય કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. અન્યથા બીજો કોઈ સરનામાંનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. તેમજ હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પરથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે.