મોરબીનાં હડમતીયા ગામે કારખાનામાં ગેસ બ્લાસ્ટ: ત્રણ દાઝયા
SHARE






મોરબીનાં હડમતીયા ગામે કારખાનામાં ગેસ બ્લાસ્ટ: ત્રણ દાઝયા
પોલીપેક કારખાનાના લેબર ક્વાટરમાં અચાનક ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા નાસભાગ મચી: મજુરી કામ કરતા ત્રણ શ્રમિકો દાઝી ગયા
મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ હડમતીયા ગામે પોલીપેકના કારખાનામાં મજુરીકામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતા ત્રણ યુવાનોને સારવાર માટે મોરબી લાવવામાં આવેલ છે. ગેસનો બાટલો ફાટતા ત્રણેય દાઝી ગયા હોય 108 વડે ત્રણેયને અત્રેની સિવિલે ખસેડાયા હતા.
મોરબી પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા તાલુકામાં આવેલ હડમતીયા ગામે દેવ પોલીપેક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા યુવાનો તેમના લેબર કવાટરમાં હતા ત્યારે ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં લેબર કવાટરમાં ગેસનો બાટલો ફાટયો હતો.આ આગજનીના બનાવમાં રાજકુમાર રામલગનભાઈ માંજી (18), રાહુલકુમાર ભુષણકુમાર માંજી (17) અને સંતોષ સાધુભાઈ પાસ્વાન (38) રહે. હાલ દેવ પોલીપેક હડમતીયા તા.ટંકારા જી. મોરબી મુળ રહે. નાલંદા જીલ્લો (બીહાર) નામના ત્રણ મજુર યુવાનો દાઝી ગયા હોય અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે પૈકી રાજકુમાર માંજીની હાલત નાજુક હોવાનું તેના સાથે કામ કરતા મજુર યુવાન સોહનકુમાર પાસેથી જાણવા મળેલ છે. હાલ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ડી.આર. ઝાલાએ પ્રાથમીક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જુના બસ સ્ટેશન સામે સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલા દોશી ટાવર ખાતે રહેતો માનવ પોપટભાઈ નામનો 24 વર્ષનો યુવાન બાઈક લઈને કામ સબબ રવાપર-કેનાલ રોડ ઉપરથી જતો હતો. તે સમયે ત્યાં આવેલ શ્યામવાડી નજીક તેના બાઈક સાથે કોઈ અજાણ્યુ વાહન અથડાતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને અત્રે આયુષ હોસ્પિટલે લઈ જવાયો હતો. જે બનાવ અંગે સ્ટાફના ડી.આર. ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
તેમજ બોટાદના રાણપુર નજીક આવેલ ઉમરાળા ગામનો અક્ષય ઈશ્વરભાઈ દૂધરેજીયા નામનો 25 વર્ષનો યુવાન મોરબી વાંકાનેર હાઈવે ઉપર જાંબુડીયા ગામ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈક સાથે કોઈ વાહન અથડાતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં અક્ષયને ઈજા થતા તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા અગાળની તપાસ ચલાવી રહ્યા છે.


